રાજકોટ અને વેરાવળ વચ્ચેની લોકલ ટ્રેનમાં હવે 1 AC કોચ મૂકવાનો નિર્ણય લેવાયો છે. જેનો લાભ મુસાફરોને 14 માર્ચથી મળશે. આ ઉપરાંત પશ્ચિમ રેલવેના અમદાવાદ સ્ટેશનનો પુનઃ વિકાસ થઈ રહ્યો હોવાથી રાજકોટ રેલવે મંડળની વેરાવળથી અમદાવાદ જતી સુપરફાસ્ટ એક્સપ્રેસ અને એક્સપ્રેસ ટ્રેન ગાંધીનગર કેપિટલ સુધી જશે, તેમાં વધારાનો ચાંદલોડિયા સ્ટોપ આપવામાં આવ્યો છે. જેમાં વેરાવળ-અમદાવાદ એક્સપ્રેસમાં 15મી માર્ચથી તો વેરાવળ-અમદાવાદ સુપરફાસ્ટ એક્સપ્રેસમાં ઉપરોક્ત નિર્ણયની અમલવારી તા.1 એપ્રિલથી કરવામાં આવશે.
પશ્ચિમ રેલવેના અમદાવાદ સ્ટેશનનું કાયાકલ્પ થઈ રહ્યું છે. તેનું વિશ્વ સ્તરનાં સ્ટેશન તરીકે પુનઃવિકસિત કરવામાં આવશે. જેના લીધે રાજકોટ મંડળથી થઈને જનારી 2 જોડી ટ્રેનોના ટર્મિનલને અમદાવાદ સ્ટેશનની જગ્યાએ ગાંધીનગર કેપિટલ સ્ટેશનમાં શિફ્ટ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ટ્રેન નંબર 22957 અમદાવાદ-વેરાવળ સુપરફાસ્ટ એક્સપ્રેસનું ટર્મિનલ હવે ગાંધીનગર કેપિટલ થઈ જશે. આ ટ્રેન 2 એપ્રિલ 2024થી ગાંધીનગર કેપિટલ સ્ટેશનથી 21.55 વાગ્યે પ્રસ્થાન કરશે. આ ટ્રેનને ચાંદલોડિયા સ્ટેશન પર વધારાનો સ્ટોપેજ આપવામાં આવ્યો છે અને તેનું ચાંદલોડિયા સ્ટેશન પર આગમન/પ્રસ્થાન સમય 22.18/22.20 વાગ્યે હશે. આજ રીતે ટ્રેન નંબર 22958 વેરાવળ-અમદાવાદ સુપરફાસ્ટ એક્સપ્રેસ 1 એપ્રિલ 2024થી ગાંધીનગર કેપિટલ સ્ટેશન સુધી જશે. ગાંધીનગર કેપિટલ સ્ટેશન પર 05.55 વાગ્યે આવશે. આ ટ્રેનને ચાંદલોડિયા સ્ટેશન પર વધારાનો સ્ટોપેજ આપવામાં આવ્યો છે અને તેનું ચાંદલોડિયા સ્ટેશન પર આગમન/પ્રસ્થાન સમય 05.10/05.12 વાગ્યે હશે.