રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણી જાહેર થયા બાદ ચાર વખત ચૂંટાયેલા સભ્ય સાથે અમુક લોકોએ ધમકીભર્યા શબ્દોનો ઉપયોગ કર્યાના પડઘા હજુ શમ્યા નથી ત્યાં વર્ષોથી ભાજપમાં રહેલા અને સમરસ પેનલે પસંદ ન કરેલા બે ઉમેદવારના ફોર્મ પરત ખેંચાવા શહેર ભાજપે દબાણ કર્યાની ચર્ચાએ વકીલ આલમમાં ભારે ચકચાર મચાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આજે બાર એસોસિએશનની ચૂંટણીના ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે ત્યારબાદ ચૂંટણી જંગમાં ઊભા રહેનારા ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે. રાજકોટ રેવન્યુ પ્રેક્ટિશનર્સ એસોસિએશનના સભ્ય સંદીપ વેકરિયાએ ગત શુક્રવારે પોતાની વ્યથા વ્યક્ત કરી પોસ્ટ ગ્રૂપમાં મૂકી હતી જેમાં ચાર વખત ચૂંટાયા બાદ વકીલોની વધુ સેવા માટે ચૂંટણી ફોર્મ ભરવાનો વિચાર વ્યક્ત કર્યો ત્યારે ઘણા લોકો રૂબરૂ અને ફોન પર સમજાવવા આવ્યા તો અમુક લોકોએ ધમકીભર્યા શબ્દો વાપર્યા, અમુક મિત્રો તો જે સાથે રહેતા હોય તેને સીધી વાત કરવા કરતા વાયા વાયા ફોન કર્યાનું જણાવ્યું હતું.
મંગળવારે ફોર્મ પાછા ખેંચવાનો છેલ્લો દિવસ છે ત્યારે ભાજપ દ્વારા પ્રમુખપદના ઉમેદવાર બકુલ રાજાણી અને ઉપપ્રમુખ હરેશ પરસોંડાને ફોર્મ પરત ખેંચાવવા સમજાવટ કરાયાની અને ગર્ભિત ચેતવણી અપાયાની ચર્ચા વકીલ આલમમાં થઇ રહી છે અને તેમાંથી હરેશ પરસોંડા ફોર્મ પરત ખેંચવા તૈયાર થઇ ગયાની વિગતો પણ પ્રકાશમાં આવી છે.
શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ જણાવ્યું હતું કે, બકુલ રાજાણી મારા 40 વર્ષ જૂના મિત્ર છે અને તેમના કાર્યાલયના ઉદ્દઘાટનનું આમંત્રણ આપવા આવ્યા હતા. જ્યારે હરેશ પરસોંડાને લડાવવા માટે મેં જ પીયૂષભાઇને ભલામણ કરી હતી. પરંતુ ત્યારે પેનલ બની ગઇ હોવાથી હવે આવતા વખતે લડાવવા નિર્ણય કર્યો છે. તેઓ મંગળવારે ફોર્મ પરત ખેંચી લેશે. બાકી બાર એસોસિએશનની ચૂંટણી એ મારો વિષય જ નથી.