ચૂંટણી પહેલા ત્રણ તબક્કામાં વોટિંગ ઘટવાના કારણે શેરમાર્કેટમાં વધેલી વોલેટિલિટી તેમજ લાર્જ કેપ ફંડ્સમાં પ્રવાહ ઘટતા ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં એપ્રિલ દરમિયાન રોકાણમાં ઘટાડો થયો છે. ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ 16% ઘટીને રૂ.18,917 કરોડ નોંધાયું છે. માર્ચ 2021થી સતત 38માં મહિને ઇક્વિટી ફંડમાં રોકાણનો પ્રવાહ જોવા મળ્યો છે.
એસોસિએશન ઑફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (Amfi) અનુસાર મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીઝે માર્ચમાં રૂ. 1.6 લાખ કરોડના આઉટફ્લોનો અનુભવ કર્યા પછી સમીક્ષા હેઠળના મહિનામાં રૂ. 2.4 લાખ કરોડનો ઇનફ્લો નોંધાયો છે. ડેટ સ્કીમ્સમાં રૂ. 1.9 લાખ કરોડના જંગી રોકાણ પ્રવાહ આવ્યો હતો.
ઇક્વિટી અને ડેટ કેટેગરીમાં મજબૂત નાણાપ્રવાહને કારણે, ઇન્ડસ્ટ્રીની નેટ એસેટ્સ અંડર મેનેજમેન્ટ ગયા મહિને વધીને રૂ. 57.26 લાખ કરોડ થઈ હતી જે માર્ચના અંતે રૂ. 53.54 લાખ કરોડ હતી.
અહેવાલ અનુસાર ઇક્વિટી-ઓરિએન્ટેડ સ્કીમ્સમાં એપ્રિલમાં રૂ.18,917 કરોડનો પ્રવાહ જોવા મળ્યો હતો, જે માર્ચમાં નોંધાયેલા રૂ.22,633 કરોડ અને ફેબ્રુઆરીમાં રૂ.26,866 કરોડ કરતાં ઘટ્યો છે. ઓપન-એન્ડેડ સ્કીમની શ્રેણીમાં એપ્રિલમાં કુલ નવ યોજનાઓ શરૂ કરવામાં આવી હતી.