રાજકોટ મહાનગરપાલિકામાં ઘણા સમય બાદ મોટા વહીવટી ફેરફારો થયા છે અને નાયબ કમિશનર કક્ષા સુધીના અધિકારીઓની બદલી તેમજ કામમાં ફેરફાર કરાયો છે. આ પૈકી એક જ અધિકારીના બે બે વખત ઓર્ડર નીકળતા અનેક ચર્ચાઓ જાગી છે.
રાજકોટ મહાનગરપાલિકામાં સેન્ટ્રલ ઝોનના નાયબ કમિશનર તરીકે સી.કે. નંદાણી ઘણા વર્ષોથી કાર્યરત હતા અને તેની સાથે તેમને વેસ્ટ ઝોનનો ચાર્જ અપાયો હતો. નવા કરાયેલા ફેરફાર મુજબ આસિસ્ટન્ટ કમિશનર એચ.આર. પટેલને સેન્ટ્રલ ઝોનના નાયબ કમિશનરનો ચાર્જ અપાયો છે aજ્યારે હવે સી.કે. નંદાણીને વેસ્ટ ઝોન સંભાળવાનું રહેશે. પટેલ આસિ. કમિશનર તરીકે સિનિયર છે પણ વર્ષોથી ચૂંટણી, સાંસ્કૃતિક વિભાગ, સ્ટેશનરી જેવા વિભાગો સંભાળી સાઈડલાઈન જ રહ્યા હતા હવે અચાનક તેમને મુખ્ય કચેરીમાં જ નાયબ કમિશનરનો ચાર્જ અપાયો છે.
આ યાદીમાં ક્યાંય પણ નંદાણીની બદલી વેસ્ટ ઝોનમાં કરાયાનો ઉલ્લેખ નથી પણ હુકમની છેલ્લે લખ્યું છે કે, વેસ્ટ ઝોનના સિટી એન્જિનિયર સહિતના ઈજનેરો સી.કે. નંદાણીને રિપોર્ટ કરશે. આ બદલીની યાદીમાં નાયબ કમિશનર, સહાયક કમિશનર, મેનેજર અને હેડ ક્લાર્ક સંવર્ગના 21ની યાદી છે. જે પૈકી બી.એલ. કાથરોટિયાને હાલની જવાબદારીમાંથી શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટમાંથી મુક્ત કર્યાનો ઉલ્લેખ હતો. જોકે આ સિવાય પણ બીજો આનુષંગિક હુકમ બહાર પાડ્યો હતો.