ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 16મી સિઝનની આજે સાતમી મેચ દિલ્હી કેપિટલ્સ (DC) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે રમાઈ ગઈ હતી. જેમાં ગુજરાતે દિલ્હીને 6 વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે જ ગુજરાત ટાઇટન્સ પોઇન્ટ્સ ટેબલમાં ટૉપ પર પહોંચી ગઈ છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સે શાનદાર પ્રદર્શન કર્યું હતું. પહેલા બોલિંગ ડિપાર્ટમેન્ટ અને પછી બેટિંગ ડિપાર્ટમેન્ટે કમાલ કર્યો હતો. IPLમાં ગુજરાતે સતત બીજી મેચમાં દિલ્હીને હરાવ્યું છે. અગાઉ ગત સિઝનમાં દિલ્હીને હરાવ્યું હતું.
ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને રાશિદ ખાને શાનદાર બોલિંગ કરી અને દિલ્હીને મોટો સ્કોર કરતા અટકાવ્યા હતા. નવા બોલથી બોલિંગ કરનાર શમીએ પૃથ્વી શો (7 રન) અને મિચેલ માર્શ (4 રન)ને સસ્તામાં પેવેલિયન મોકલ્યા હતા. ત્યારપછી અલ્ઝારી જોસેફે કેપ્ટન વોર્નર (37 રન)ને મોટી ઇનિંગ રમવા દીધી નહોતી. મિડલ ઓર્ડરમાં જોસેફ સાથે રાશિદ ખાને મોટી ભાગીદારી થવા દીધી નહોતી. તેણે મિડલ ઓવર્સમાં ત્રણ વિકેટ ઝડપી હતી. ત્યારપછી શમીએ પાવર હિટર અક્ષરને આઉટ કર્યો હતો.
21 વર્ષીય સાંઈ સુદર્શને જવાબદારીભરી બેટિંગ કરી
નંબર-3 પર રમવા આવેલા સાંઈ સુદર્શને (48 બોલમાં 62* રન) ક્લાસિક બેટિંગ કરી હતી. આ યુવા બેટરે ટીમની ઇનિંગને સંભાળી હતી. તે મેચને છેલ્લે સુધી લઈ જઈને ટીમને જિતાડી પણ હતી. ટીમે એક તબક્કે 54ના સ્કોર પર ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. સુદર્શને વિજય શંકર સાથે 44 બોલમાં 53 રનની પાર્ટનરશિપ કરી હતી. આ પછી નિર્ણાયક તબક્કે ડેવિડ મિલર સાથે 29 બોલમાં 56* રનની પાર્ટનરશિપ કરી હતી.