રાજકોટમાં આગામી સપ્તાહે સ્વિમિંગ ફીવર છવાશે. રાષ્ટ્રીય કક્ષાની શાળાકીય તરણ સ્પર્ધાનું રાજકોટનાં યજમાન પદે આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈ આગામી તા. 24થી 30 નવેમ્બર દેશભરનાં નિષ્ણાંત તરવૈયા છાત્રો રાજકોટનાં મહેમાન બનશે. આ સ્પર્ધા કોઠારીયા રોડ, સરદાર વલ્લભભાઇ પટેલ સ્નાનાગાર ખાતે યોજાનાર છે. જેને લઈને સરકારના સ્પોર્ટસ વિભાગ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
પ્રાપ્ત વિગત મુજબ આ સ્પર્ધામાં તા. 23મીએ તમામ સ્પર્ધકોના રીપોર્ટીંગ બાદ તા. 24મીથી સ્પર્ધાનો પ્રારંભ થશે. જેમાં દેશભરના અલગ-અલગ રાજ્યોમાંથી અંદાજે 2500-2800 ભાઇ-બહેન સ્પર્ધકો ભાગ લેશે. સ્વમિંગ અને ડાઇવિંગની વિવિધ ઇવેન્ટમાં દેશભરની શાળાઓમાં અભ્યાસ કરતાં અન્ડર-14, 17,19 વયનાં ભાઇ-બહેન સ્પર્ધકો ભાગ લઇ પોતાનું કૌશલ્ય બતાવશે. જેને લઈને તા. 24થી 30 નવેમ્બર સુધી એક સપ્તાહ સ્વિમિંગ ફીવર છવાશે.
આ સ્પર્ધા માટે ખાસ ગુજરાત ઉપરાંત દેશભરનાં વિવિધ રાજ્યોમાંથી કોચ સાથે સ્વિમરો આવી રહ્યા હોય તેમના રહેવા-જમવા અને ઉતારા માટે સરકારનાં માર્ગદર્શન હેઠળ જિલ્લા રમત ગમત અધિકારી વી.પી. જાડેજા અને સ્પર્ધા માટે નિયુક્ત અધિકારી રમાબેનનાં માર્ગદર્શન હેઠળ તૈયારીઓ ચાલી રહી છે. સ્પર્ધામાં ઓલ ઇન્ડિયા, સ્વિમિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાનાં પ્રેસીડેન્ટ, હોદેદારો, રાજકોટ જિલ્લા સ્વિમિંગ એસો.નાં પ્રમુખ ઉમેશભાઇ રાજ્યગુરુ સહિતનાં હાજર રહેશે. અને આ સ્પર્ધાને નિહાળવા ઇચ્છુકો માટે પ્રેક્ષક ગેલેરી ખુલ્લી રહેશે.