ટેક્નોલોજીના સતત વધી રહેલા વ્યાપ વચ્ચે સાયબર ફ્રોડના કેસો સતત વધી રહ્યાં છે. જેના પરિણામે હવે લોકોના પૈસા બેન્કમાં પણ સલામત રહ્યાં નથી તેવું તારણ આરબીઆઇ દ્વારા રજૂ કરવામાં આવેલ ડેટાના આધારે જાણવા મળ્યું છે.
ભારતીય બેંકોએ છેલ્લા એક દાયકામાં રૂ.5.29 લાખ કરોડની છેતરપિંડી થઇ હોવાનું જણાવ્યું છે. ખાનગી અને સરકારી બેંકોએ અહેવાલ આપ્યો છે કે આ છેતરપિંડી નાણાકીય વર્ષ 2013-14 થી 2022-23 વચ્ચે કુલ 4,62,733 છેતરપિંડીના કેસ સાથે સંબંધિત છે. આરટીઆઈ અરજીના જવાબમાં રિઝર્વ બેંક દ્વારા આપવામાં આવેલા ડેટા પરથી આ માહિતી સામે આવી છે.
આ મુજબ મહારાષ્ટ્રમાં સૌથી વધુ છેતરપિંડીના કેસ નોંધાયા છે. ત્યારબાદ NCT દિલ્હી, હરિયાણા, તમિલનાડુ અને ઉત્તરપ્રદેશ રહ્યાં છે. કર્ણાટક, ગુજરાત, તેલંગાણા, પશ્ચિમ બંગાળ અને રાજસ્થાનનો ત્યારબાદ નંબર આવે છે. છેલ્લા 10 નાણાકીય વર્ષોમાં આ રાજ્યોમાં 8,000 થી 12,000 બેંક ફ્રોડ થયા છે. સેન્ટ્રલ બેંકના કેટલાક તાજેતરના વાર્ષિક અહેવાલોનું વિશ્લેષણ દર્શાવે છે કે મોટાભાગની છેતરપિંડી ઉપાડ, કાર્ડ અને ડિજિટલ અથવા ઇન્ટરનેટ બેંકિંગ દ્વારા સંબંધિત છે.
ઉદાહરણ તરીકે નાણાકીય વર્ષ 2022-23માં બેંકોએ ડેબિટ-ક્રેડિટ કાર્ડ્સ અને ઈન્ટરનેટ બેંકિંગ દ્વારા સૌથી વધુ છેતરપિંડી થઇ હોવાનું નોધાવ્યું છે. નોંધાયેલા 13,530 કેસમાંથી 6,659 કેસો કાર્ડ અને ઈન્ટરનેટ બેન્કિંગના નોંધાયા છે. એડવાન્સિસ સામે છેતરપિંડીનો આંકડો પણ 4109 જેટલો ઊંચો આંક હતો.