5000 વર્ષ જૂનો ઈતિહાસ ફરી યાદ કરવા દ્વારકા ખાતે આહીર સમાજ દ્વારા આહીરાણી મહારાજનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત સહિત ભારતના વિવિધ રાજ્યોમાંથી આહીર બહેનો જોડાવાની છે. આ ઉપરાંત અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા દુબઈ સહિત વિશ્વભરમાંથી આહીરાણીઓ દિવ્ય રાસ રમવા આવશે. આવતીકાલે એકસાથે 37 હજાર આહીરાણીઓ ગરબો રચીને રાસ સ્વરૂપે ભગવાન દ્વારકાધીશનાં ચરણોમાં અર્પણ કરી દ્વારકાના આંગણે ઈતિહાસ સર્જશે. મહારાસના મહાઆયોજનને લઈ દ્વારકા જગતમંદિર અને નગરમાં રંગબેરંગી લાઈટોથી શણગાર કરવામાં આવ્યું છે. જેથી દ્વારકા નગરી સોનાની જેમ ચમકી ઉઠી છે.
મહારાસને યાદગાર બનાવવા ભવ્યાતિભવ્ય આયોજન કરાયું છે. આખીલ ભારતીય મહારાસ સંગઠન દ્વારા દ્વારકા જગતમંદિર અદભુત અને આંખોને આંજી દેતી મનમોહક લાગતી રોશનીથી સજાવવામાં આવ્યું છે. પ્રવેશદ્વારથી મંદિર જવાના માર્ગ પર રોશનીની એવી જમાવટ કરાઈ છે. મંદિરનો ભાગ રંગબેરંગી રોશનીના પ્રકાશમાં દેદીપ્યમાન લાગી રહ્યો છે. અવનવી રંગબેરંગી રોશનીથી જાણે કોઈ પ્રકાશપુંજ પથરાયો હોય એવી અલૌકિક આભા સર્જાય છે. જેને નિહાળી ભાવિક ભક્તો આહલાદકતા અને રોમાંચકતાનો અનુભવ કરે છે. સમગ્ર દ્વારકામાં હાલ કૃષ્ણમય ભક્તિનો માહોલ જામ્યો છે.