રાજકોટ ડિવિઝનમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા વિવિધ કામગીરીને કારણે ટ્રેન પ્રભાવિત થઇ રહી છે. ત્યારે ઓખા સ્ટેશનના એક નંબરના પ્લેટફોર્મની લંબાઇ વધારવાની કામગીરીને કારણે એન્જિનિયરિંગ અને ટ્રેક્શન વિભાગ દ્વારા બ્લોક કરવામાં આવતા આગામી તા.12 સુધી કેટલીક ટ્રેન આંશિક રીતે રદ કરવામાં આવી છે. એક ટ્રેન રદ કરવામાં આવી છે. જ્યારે લાંબા અંતરની બે ટ્રેન ઉપરોક્ત કામગીરીને કારણે મોડી દોડશે તેમ રેલવે સૂત્રોએ જણાવ્યું છે.
રાજકોટ ડિવિઝનની યાદીમાં જણાવાયા મુજબ, ટ્રેન નં.09480- 09479 ઓખા-રાજકોટ-ઓખા લોકલ ટ્રેનને આગામી તા.11 સુધી રદ કરવામાં આવી છે. તેમજ ટ્રેન નંબર 19209 ભાવનગર-ઓખા એક્સપ્રેસ ટ્રેન તા.11 સુધી સુરેન્દ્રનગર સુધી જ દોડશે અને આ જ ટ્રેન સુરેન્દ્રનગરથી ભાવનગર પરત ફરશે. જેને કારણે આ ટ્રેન સુરેન્દ્રનગર-ઓખા વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવી છે.