રાજકોટ શહેરમાં વધુ એક સગીરા સાથે અપહરણ અને દૂષ્કર્મની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે. રાજકોટ નજીક વાડી વિસ્તારમાં મજૂરી કરતાં પરિવારની 14 વર્ષની દિકરીને ખોખડદડ વિસ્તારમાં વાડી વાવવા રાખનારા શખ્સે પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી સગીરા ગત 13 તારીખે કેટરર્સમાં કામે જવા નીકળી ત્યારે રસ્તામાંથી અપહરણ કરી ગોંડલ તરફ વાડી વિસ્તારમાં લઇ જઇ આઠેક દિવસ ત્યાં રાખી બળજબરી પુર્વક ચાર પાંચ વખત દુષ્કર્મ ગુજારી ગઇકાલે પરત તેના ઘર પાસે મુકી ભાગી જતાં પોલીસે અપહરણ, બળાત્કાર, પોક્સો હેઠળ ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.
સગીરાની માતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેને ચાર સંતાન છે. જેમાં સૌથી નાની દિકરીની ઉમર 14 વર્ષ અને 6 મહિનાની છે. આ દિકરી આગઉ કેટરર્સમાં કામે જતી હતી. એકાદ વર્ષ પહેલા તેણીને ખોખડદળમાં બીલીપત્ર પાર્ટીપ્લોટ પાસે વાડી વાવવા રાખનારા વનરાજ નામના શખસ સાથે પ્રેમ થઇ જતાં અમને ખબર પડતાં અમે દિકરીને આ સંબંધ તોડી નાખવા સમજાવી હતી.
સગીરાને પ્રેમી સાથે લઈ ગયો
દરમિયાન તા.13.12.2023ના રોજ અમારી દિકરી સાંજે સાડા 4 વાગ્યે ઘરેથી કેટરર્સમાં કામે જવાનું કહીને નીકળ્યા બાદ પાછી ન આવતાં અમે શોધખોળ શરૂ કરી હતી. સગા સંબંધીને ત્યાં અને બીજા અનેક સ્થળે તપાસ કરવા છતાં તે મળી આવી ન હતી. અમે તેને શોધતા હતાં ત્યાં 20.12.2023 ના સાંજે 5 વાગ્યે આ દિકરી અચાનક અમારી ઘરે આવી ગઇ હતી. અમે તેણીને ક્યાં હતી તેવું પુછતાં તેણે કહેલું કે વનરાજ સાથે પ્રેમ હોઇ તે મને લગ્ન કરવા છે તેમ કહી હું કેટરર્સમાં કામે જતી હતી ત્યારે રસ્તામાંથી લઇ ગયો હતો.
લગ્નની લાલચ આપી બળજબરી કરી
મને બસમાં બેસાડી ગોંડલ તરફ લઇ ગયો હતો. જ્યાં વાડી વિસ્તારમાં મને રાખી હતી. તેમજ મને એ જગ્યાએ ફરી વાર લગ્નની લાલચ આપી મારી સાથે બળજબરીથી ચાર-પાંચ વખત શરીર સંબંધ બાંધી લીધો હતો અને ત્યારબાદ મને અહિ ઘર પાસે મુકીને તે ભાગી ગયો છે. દિકરીએ આ વાત કરતા અમે પોલીસ સ્ટેશન આવ્યા હતાં.