મહુડી ટ્રસ્ટમાં નાણાં, દાન, ભેટ-સોગાદ અને ચઢાવા-બોલીમાંથી આવે છે. ચેરિટીના કાયદા મુજબ ટ્રસ્ટમાં નવા નિમાયેલા ટ્રસ્ટીઓની નોંધણી ફરજિયાત છે અને ટ્રસ્ટના નાણાંમાંથી ખરીદાતી મિલકતની નોંધણી ચેરિટી કમિશનર કચેરીમાં કરવી ફરજિયાત હોય છે. મહુડી ટ્રસ્ટે છેલ્લાં કેટલાંક વર્ષમાં મહુડી, ગાંધીનગર, પાલિતાણા, વિજાપુર અને અમદાવાદમાં 25 કરોડથી વધુની મિલકતો ખરીદી છે. આ મિલકત દાનની રકમથી ખરીદેલી છે, જેની નોંધણી મહુડી ટ્રસ્ટના ચોપડે કરાઈ નથી કે ટ્રસ્ટની સામાન્ય સભાની મંજૂરી પણ લેવાઈ નથી.
મહુડી (મધુપુરી) જૈન શ્વે.મૂર્તિપૂજક સંઘ-ટ્રસ્ટ મહુડી સંઘની સ્થાપના આશરે 100 વર્ષ પહેલાં પટેલ કુળમાં જન્મેલા જૈન સમુદાયના આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વર મહારાજ સાહેબના હસ્તે ચાર પરિવારના વડીલોને સાથે રાખીને કરાયેલો છે. આ ચાર પરિવારોમાં મહેતા પરિવારના બે, શાહ પરિવારના એક અને વોરા પરિવારના એક વડીલને સાથે રાખીને સંઘ બનાવ્યું હતું, જેમાં મહુડીના આ ચાર પરિવારના જ સભ્યો આજીવન સભ્ય હોવાથી આ ચાર પરિવારના વારસામાં હોય તે સભ્ય બની શકે છે.