એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે EDએ ચીની મોબાઈલ ઉત્પાદક વિવો સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં વધુ 3 લોકોની ધરપકડ કરી છે. ત્રણેય લોકોની પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં કુલ ધરપકડનો આંકડો હવે 7 પર પહોંચી ગયો છે. ઈડીએ આ કેસમાં પહેલી ચાર્જશીટ 7 ડિસેમ્બરે દાખલ કરી હતી.
આ હાઈ-પ્રોફાઈલ ધરપકડોમાં Vivo ઈન્ડિયાના વચગાળાના CEO હોંગ ઝુક્વાન, Vivoના ચીફ ફાઈનાન્સિયલ ઓફિસર (CFO) હરિન્દર દહિયા અને સલાહકાર હેમંત મુંજાલનો સમાવેશ થાય છે. સમાચાર એજન્સી પીટીઆઈએ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે ત્રણેય આરોપીઓને રવિવારે દિલ્હીની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને તેમને ત્રણ દિવસ માટે ED કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.
અગાઉ ઓક્ટોબરમાં, EDએ મની લોન્ડરિંગ કેસમાં ચીનના નાગરિક ગુઆંગવેન ક્વિઆંગ ઉર્ફે એન્ડ્ર્યુ કુઆંગ, લાવા ઈન્ટરનેશનલના એમડી હરિઓમ રાય ઉપરાંત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રાજન મલિક અને નીતિન ગર્ગની ધરપકડ કરી હતી. લગભગ એક વર્ષ પહેલા, એજન્સીએ દેશભરમાં 48 સ્થળોએ Vivo મોબાઈલ અને તેની 23 સહયોગી કંપનીઓની શોધ કરી હતી.