દર વર્ષે 14મી જાન્યુઆરીએ મકર સંક્રાંતિની જાહેર રજા હોય છે પરંતુ, આ વર્ષે રવિવારના રજાના દિવસે જ મકર સંક્રાંતિ છે ત્યારે રાજકોટ જિલ્લાની સરકારી પ્રાથમિક 850 શાળાઓમાં 15મી જાન્યુઆરીની પણ રજા જાહેર કરવામાં આવી છે.
ઉતરાયણમાં 2 દિવસની રજાનો લાભ મળશે
રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલે જણાવ્યુ હતું કે, રાજકોટ જિલ્લા પંચાયત હસ્તકના 11 તાલુકાઓની સરકારી પ્રાથમિક શાળાઓમા 14મી જાન્યુઆરીએ રવિવારે મકર સંક્રાંતિની રજા તો હશે જ. ઉપરાંત આ વખતે 15મી જાન્યુઆરીએ પણ રજા જાહેર કરવામા આવી છે. જેથી ધો.1થી 8ના સરકારી પ્રાથમિક શાળાઓના બાળકોને ઉતરાયણમાં 2 દિવસની રજાનો લાભ મળશે. રાજકોટ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા લેવાયેલા નિર્ણયના અમલરૂપે 15મી જાન્યુઆરીની રજા જાહેર કરવામાં આવી છે.
પ્રાથમિક ધોરણમાં 15મી જાન્યુઆરીની રજા રાખશે
રાજકોટ જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમા તો રજા છે પરંતુ, ખાનગી પ્રાથમિક શાળાઓમાં રજા છે કે કેમ તે બાબતે રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી.મહેતાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, ખાનગી પ્રાથમિક શાળાઓમા 15મી જાન્યુઆરીની રજા બાબતે હાલ કોઈ નિણર્ય લેવામાં આવ્યો નથી પરંતુ, મોટાભાગની શાળાઓ પ્રાથમિક ધોરણમાં ભણતા બાળકો માટે 15મી જાન્યુઆરીની રજા રાખશે. અત્રે ઉલ્લેખનીય છે કે, 15મી જાન્યુઆરીની રજા રાજકોટ જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓના બાળકો માટે જ છે. રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી નિલેશ રાણીપાને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લાની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 15મી જાન્યુઆરી રજા નથી. રવિવારે ઉતરાયણની એક જ દિવસની રજા છે.