બેંગલુરુમાં ગીઝરમાંથી ગેસ લીક થવાને કારણે એક ગર્ભવતી મહિલાનું મોત થયું હતું. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના બેંગલુરુના સદાશિવ નગરમાં બની હતી. શાકભાજી વેચવાનું કામ કરતો જગદીશ તેની 23 વર્ષની પત્ની રામ્યા અને 4 વર્ષના પુત્ર સમ્રાટ સાથે રહેતો હતો. તે કામ અર્થે ઘરની બહાર ગયો હતો.
મહિલાના પતિ જગદીશે જણાવ્યું કે 23 ડિસેમ્બરે વૈકુંઠ એકાદશી હોવાથી હું પરિવારને મંદિરે લેવા ઘરે પરત ફર્યો હતો. મેં જોયું તો દરવાજો બંધ હતો. ફોન કર્યો પણ પત્ની કે પુત્ર બહાર આવ્યા નહીં. હું કોઈક રીતે ઘરમાં પ્રવેશ્યો. પત્ની અને પુત્ર દેખાતા ન હતા. બાથરૂમમાંથી પાણી પડવાનો અવાજ આવી રહ્યો હતો.
જગદીશના કહેવા મુજબ પત્ની પુત્રને નહાવા બાથરૂમમાં લઈ ગઈ હતી. બંને ત્યાં બેભાન અવસ્થામાં પડ્યા હતા. હું તરત જ મારી પત્ની અને પુત્રને નજીકની હોસ્પિટલમાં લઈ ગયો. ડોક્ટરોએ પત્નીને મૃત જાહેર કરી હતી. પુત્રની હાલત સારી નથી, હજુ તેની સારવાર ચાલી રહી છે.
પોલીસે જણાવ્યું કે જગદીશના ઘરના બાથરૂમમાં વેન્ટિલેશન નથી. ગીઝરમાંથી કાર્બન મોનોક્સાઇડ ગેસ લીક થયો, જેના કારણે તેની પત્નીનું મોત થયું. જૂનમાં પણ, ચંદ્રશેખર (30) અને સુધરાણી બિન્ની (22)ના મૃતદેહ બેંગલુરુના ચિક્કાજાલામાં ઘરના બાથરૂમમાંથી મળી આવ્યા હતા. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં ગીઝરમાંથી કાર્બન મોનોક્સાઇડ લીક થવાને કારણે શ્વાસ રૂંધાવાથી મોત થયાનું બહાર આવ્યું છે.