કાશ્મીરના પૂંછ જિલ્લાના ટોપાપીરમાં સેનાની કસ્ટડીમાં 22 ડિસેમ્બરે ત્રણ ગ્રામીણોનાં મોતને મામલે મોટી કાર્યવાહી થઇ છે. સૈન્યનાં સૂત્રોનુસાર 48 રાષ્ટ્રીય રાઇફલ્સના બ્રિગેડિયરને બરતરફ કરાયા છે. સેનાએ કોર્ટ ઑફ ઇન્ક્વાયરી હેઠળ મામલાની તપાસ શરૂ કરીને ત્રણ અન્ય અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી છે.
ગ્રામીણોનાં મોત પર અજાણ્યા શખ્સોની વિરુદ્ધ પોલીસમાં FIR પણ દાખલ કરાઇ છે. તાજેતરનાં વર્ષોમાં બ્રિગેડિયર રેન્કના અધિકારીઓને હટાવવાની આ બીજી ઘટના છે. અગાઉ 2016માં ઉરીના આર્મી કેમ્પ પર આતંકી હુમલા બાદ બ્રિગેડિયરને બરતરફ કરાયા હતા. દરમિયાન, સૈન્ય પ્રમુખ મનોજ પાંડે સોમવારે જમ્મુ સહિત પૂંછ અને રાજૌરી સેક્ટર પહોંચ્યા હતા. અહીં સૈન્યપ્રમુખ પાંડેએ કમાન્ડરોની બેઠક દરમિયાન ટકોર કરી હતી કે સેના કોઇ પણ ઑપરેશન દરમિયાન ખૂબ જ પ્રોફેશનલ રીતે વર્તન કરે.
કાશ્મીરમાં સેના વધુ સતર્ક રહે. જણાવી દઇએ કે 21 ડિસેમ્બરના રોજ પૂંછના સુરનકોટ વિસ્તારમાં આતંકીઓએ સૈન્યના કાફલા પર હુમલો કર્યો હતો. તેમાં સૈન્યના ચાર જવાન શહીદ થયા હતા ત્યારબાદ સૈન્યએ પૂછપરછ માટે કેટલાક ગ્રામજનોને કસ્ટડીમાં લીધા હતા. પૂંછ હુમલામાં ગુનેગાર આતંકીઓ હજુ સુધી પકડાયા નથી. સેનાએ પૂંછ, સુરનકોટ અને રાજૌરીના થાનામંડીનાં જંગલોમાં મોટું સર્ચ ઓપરેશન કર્યું છે. દરમિયાન, પૂંછ અને રાજૌરી જિલ્લામાં સોમવારે ત્રીજા દિવસે નેટબંધી હતી.
પીડીપી સુપ્રીમો મહેબૂબા મુફ્તીને નજરકેદ રખાયાં છે. મહેબૂબા સોમવારે પૂંછ જવા માંગતાં હતાં, જ્યાં 22 ડિસેમ્બરના રોજ ત્રણ ગ્રામીણોના મૃતદેહ રહસ્યમય રીતે મળ્યા હતા. પીડીપીનો આરોપ છે કે પૂંછ વિસ્તારના કેટલાક યુવાનો હજુ પણ સૈન્યની કસ્ટડીમાં છે.
દરમિયાન, પૂંછ આતંકી હુમલામાં શહીદ સેનાના ચાર જવાનોના પાર્થિવ દેહ સોમવારે તેમના પૈતૃક ગામોએ પહોંચ્યા હતા. શહીદોના અંતિમ દર્શન માટે ભીડ ઉમટી હતી. હુમલામાં ઉત્તરાખંડમાં કોટદ્વારના રાઇફલમેન ગૌતમકુમાર અને ચમોલીના નાયક વીરેન્દ્રસિંહ, કાનપુરના નાયક કરણકુમાર અને નવાદાના રાઇફલમેન ચંદનકુમાર શહીદ થયા હતા.