શહેરમાં હાર્ટએટેકથી મૃત્યુની ઘટના યથાવત્ રહી છે. છેલ્લાં 24 કલાકમાં બે મહિલા સહિત ચાર વ્યક્તિના હાર્ટફેઇલ થઇ ગયા હતા. મૃતક ચાર પૈકીના એક આધેડ કોલેજમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા હતા, જ્યારે એક મહિલા જામનગરથી તેમના પતિના ઓપરેશન માટે રાજકોટ તેમના ભાઇના ઘરે આવ્યા હતા અને તેમનું હાર્ટફેઇલ થઇ ગયું હતું. ભીચરી નજીક એચ.એન.શુક્લ કોલેજમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા અને કોલેજના જ ક્વાર્ટરમાં રહેતા જીવાભાઇ લઘરાભાઇ લેલા (ઉ.વ.49) સવારે પાંચેક વાગ્યે બેભાન થઇ જતાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ તેમનું મૃત્યુ થયું હતું. જીવાભાઇ ત્રણ ભાઇ અને એક બહેનમાં મોટા હતા અને તેમને સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. મૃતકના પરિવારજનોએ કહ્યું હતું કે, જીવાભાઇને રાત્રે છાતીમાં થોડું દુખતું હોઇ દવા લઇને સુતા બાદ બેભાન થઇ ગયા હતા. હાર્ટએટેકથી તેમનું મૃત્યુ થયું હતું.
જામનગરની સ્વસ્તિક સોસાયટીમાં સિદ્ધાર્થ એપાર્ટમેન્ટમાં રહેતા નિરૂબેન બિપીનભાઇ વારિયા (ઉ.વ.63) રવિવારે રાત્રે રાજકોટમાં ડો.યાજ્ઞિક રોડ પર સવેશ્વર ચોકમાં તેમના ભાઇ હરેશભાઇ મહેતાના ઘરે હતા ત્યારે ત્યાં નિરૂબેન બેભાન થઇ જતાં તેમને હોસ્પિટલમાં ખસેડાયા હતા, પરંતુ તેમનું મૃત્યુ થયું હતું. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, નિરૂબેનના પતિ બિપીનભાઇને સોમવારે રાજકોટમાં દાંતનું ઓપરેશન કરાવવાનું હોય નિરૂબેન પતિ સાથે આવ્યા હતા અને અને નિરૂબેનનું હાર્ટફેઇલ થઇ ગયું હતું.
અન્ય કિસ્સામાં મવડી જસરાજનગરમાં રહેતા કિરણબેન કિશોરભાઇ અઘેરા (ઉ.વ.49) બેભાન થઇ ગયા હતા અને બેભાન હાલતમાં તેમનું મૃત્યુ થયું હતું. કિરણબેનને હાર્ટએટેક આવી ગયાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું. તેમજ જંગલેશ્વરના આવાસ ક્વાર્ટરમાં રહેતા ધીરૂબેન પ્રફુલભાઇ વાડોલિયા (ઉ.વ.45) સોમવારે સવારે પોતાના ઘરે બાથરૂમમાં બેભાન થઇ ઢળી પડ્યા હતા અને તેમને બેભાન હાલતમાં હોસ્પિટલે લઇ જવાયા હતા પરંતુ તેમનું મૃત્યુ થયું હતું.