Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ઉજાસનું પર્વ એટલે દિવાળી. હિન્દુ ધર્મનો સૌથી મોટો તહેવાર એટલે દિવાળી, અને આ દિવાળીના પર્વની ઉજવણી સમગ્ર દેશમાં ધામધૂમથી કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટની વાત કરવામાં આવે તો તહેવાર કોઈ પણ હોય, તેને અલગ રીતે મનાવવો એ રાજકોટની આગવી ઓળખ છે. તેમાં પણ દિવાળીનું પર્વ જયારે સમગ્ર દેશમાં મનાવવામાં આવી રહ્યું છે, ત્યારે રાજકોટ મ્યુનિસિપિલ કોર્પોરેશન (RMC) દ્વારા સતત 41 વર્ષથી ધનતેરસના દિવસે ભવ્ય આતશબાજીનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને એ રીતે આજે પણ ભવ્ય આતશબાજી યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ જોડાયા હતા અને એક કલાક સુધી ભવ્ય આતશબાજી નિહાળી હતી.

રાજકોટમાં દિવાળીનો ઉજાસ પથરાઇ ગયો છે અને દિપોત્સવ છે, ત્યારે આજે રાજકોટ મહાનગર પાલિકા દ્વારા રેસકોર્સ મેદાન સ્થિત માધવરાય સિંધિયા ગ્રાઉન્ડ ખાતે ભવ્ય આતશબાજીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આતશબાજીમાં અનેક અવનવી વેરાયટીના ફટાકડાથી રેસકોર્સનું આકાશ કલરફુલ બની ગયું હતું. અત્યાર સુધી 45 મિનિટ સુધી ચાલતી આતશબાજી છેલ્લા બે વર્ષથી 60 મિનિટ સુધી ચાલી હતી, જેને રાજકોટવાસીઓએ નિહાળી હતી. નાના બાળકોથી લઇ મોટેરાઓએ આ આતશબાજીનો પૂરેપૂરો આનંદ માણ્યો હતો.