હળવદની કોર્ટમાં મુદ્દતે આવેલા દેવળીયાના બે સગા ભાઇઓને મોતને ઘાટ ઉતારી દેવાના પ્લાન સાથે હુમલો કર્યો હતો. બંને ભાઇઓ કોર્ટે મુદ્દતે આવ્યા હોવાની પહેલેથી જ જાણ હોય આરોપીઓ કોર્ટની બહાર કાર લઇને ઊભા હતા. બંને બાઇક લઇને જેવા બહાર આવ્યા એટલે પહેલા કારથી કચડી દેવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમાં બચી જતા ફાયરિંગ કર્યુ તેમાં પણ નિશાન બરોબર નહીં લાગતા આરોપીઓ કાર નીચે ઉતરીને બંને ભાઇઓને છરીના ઘા ઝીકી દીધા હતા.
પ્રાપ્ત વિગત મુજબ ભોગ બનનારા બે પૈકી એક ભાઇ એવા પ્રદ્યુમનસિંહે આરોપી રાજેશ પટેલની પુત્રી સાથે પ્રેમલગ્ન કર્યા હતા જેનો ખાર રાખી હુમલો કર્યો હતો. પોલીસે નાસી છુટેલા આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.
હળવદ તાલુકાના દેવળીયા ગામમાં રહેતા બે સગા ભાઇ પંકજસિંહ દશરથસિંહ પરમાર અને પ્રદ્યુમનસિંહ દશરથસિંહ પરમાર મંગળવારના દિવસે કોર્ટમાં મુદત હોય આવ્યા હતા. કોર્ટની કાર્યવાહી પુર્ણ કરીને બંને ભાઇઓ બાઇક લઇને બહાર નીકળ્યા હતા. તે સમયે તેમને પહેલેથી જ કાર લઇને રાહ જોઇ ઉભેલા દેવળીયા ગામના જ આરોપી રાજેશ ઉર્ફે મુન્નોભાઇ પટેલ તથા તેના મળતિયાઓએ બંને ભાઇઓ ઉપર કાચ ચડાવી દેવા પ્રયાસ કર્યો હતો. જેમાં બચી જતા ફાયરિંગ કર્યુ હતું.