રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર છેલ્લાં 10 દિવસમાં 97 ફ્લાઇટે આવન-જાવન કરી હતી જેમાં 31068 મુસાફરએ લાભ લીધો હતો. બીજી તરફ આ 10 દિવસમાં 47 ફ્લાઇટ અલગ અલગ કારણોથી રદ પણ થઇ હતી. બીજી તરફ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ જાહેર કરેલા આંકડા મુજબ ગત માસમાં રાજકોટ એરપોર્ટ પર મુસાફરોની સંખ્યામાં ચાર ટકાનો વધારો થયો છે અને 86667 મુસાફરએ એર સેવાનો લાભ લધો હતો.
નવેમ્બર માસમાં રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 86667 મુસાફરએ લાભ લીધો હતો જ્યારે ઓક્ટોબર માસમાં 83322 મુસાફરએ આવન-જાવન કર્યું હતું. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ સપ્ટેમ્બર માસમાં શરૂ થયું છે ત્યાર બાદ દૈનિક 9થી 10 ફ્લાઇટનું સંચાલન થાય છે. ગત માસમાં દિવાળીનો પર્વ પણ હોવાથી મુસાફરોની સંખ્યામાં વધારો થયો હતો. જોકે ચાલુ માસમાં પણ છેલ્લા 10 દિવસમાં 31068 મુસાફરએ એર સેવાનો લાભ લીધો હતો.
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી મુંબઇ, દિલ્હી, ગોવા, સુરત, બેંગ્લોરની ફ્લાઇટ દૈનિક ઉડાન ભરે છે. તાજેતરમાં જ ઇન્ડિગોએ ઉદયપુરની ફ્લાઇટ બંધ કરી છે. બીજી તરફ વિન્ટર શેડ્યૂલનો અમલ થયો ન હોવાથી નવી ફ્લાઇટ શરૂ થઇ નથી. રાજકોટમાં હાલ દૈનિક 2700થી 3000 મુસાફર એર સેવાનો લાભ લઇ રહ્યા છે.