22 જાન્યુઆરીએ અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠા છે પરંતુ તેના 5 દિવસ પહેલાં એટલે કે 17 જાન્યુઆરીએ મંદિરના ગર્ભગૃહમાં બિરાજિત થનારી ભગવાન શ્રી રામની પ્રતિમાને નગરભ્રમણ કરાવાશે. પોતાના આરાધ્ય દેવની એક ઝલક મેળવવા માટે લાખો લોકો અયોધ્યા આવી શકે છે. આ આશંકાને ધ્યાનમાં રાખીને શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ પ્રતિમાનો નગરભ્રમણ પથ ઘટાડવાની તૈયારીમાં છે. જોકે નગરભ્રમણ પથ હજી નક્કી નથી. ગુરુવારે મળેલી બેઠકમાં ટ્રસ્ટના સભ્યોએ ભીડ નિયંત્રિત કરવાના વિવિધ વિકલ્પો વિચાર્યા હતા. તેમાંનો એક વિકલ્પ ભ્રમણ કાર્યક્રમ નાનો કરવાનો હતો.
તેમાં રામલલ્લાને ભક્તિપથ પર સુગ્રીવ મંદિરથી રામપથ થઈને નવા સરયુ ઘાટ સુધી લાવવાનું સૂચન છે. પછી ભરત મંદિર અને દશરથ મહેલ લઈ જવાય, તેવી શક્યતા છે. જોકે બેઠકમાં સંતોએ અન્ય વિકલ્પો પણ કહ્યા હતા પરંતુ કોઈ વિકલ્પે એકમત સધાયો નથી.
અયોધ્યા વિકાસ સત્તામંડળે 22 જાન્યુઆરી માટે માઝા ગુપ્તાર ઘાટ પાસે 20 એકરમાં ટેન્ટ સિટી બનાવાઈ છે. તેમાં હજારો લોકો રોકાઈ શકશે. 35 ટેન્ટ બ્રહ્મકુંડ પાસે તો 30 રામકથા પાર્કમાં બની ગયા છે. ટ્રસ્ટે પણ બાગ બિજેસીમાં 25 એકરમાં એક ટેન્ટ સિટી બનાવી છે.
પરિક્રમા માર્ગ પર દારૂનું વેચાણ નહીં
દરમિયાન, અયોધ્યામાં 5 કોસી પરિક્રમા માર્ગ પર દારૂના વેચાણ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકી દેવાયો છે. યુપી સરકારના જણાવ્યા પ્રમાણે આ માર્ગ પરથી દુકાનો દૂર કરાશે.