રાજકોટ સહિત સમગ્ર દેશભરમાં છેલ્લા કેટલાય સમયથી ડિજિટલ એરેસ્ટના કિસ્સામાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે તાજેતરમાં રાજકોટ શહેર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતે 73 વર્ષીય મહેન્દ્ર મહેતા નામના વ્યક્તિ દ્વારા અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ ફોર્જરી, એક્ષટોર્શન, ચીટીંગ સહિતની કલમ હેઠળ રૂ.56,00,000ની છેતરપિંડી કરવામાં આવી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ત્યારે સમગ્ર મામલે રાજકોટ શહેર સાઇબર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અમદાવાદ, જુનાગઢ, પાટણ સહિતના કુલ સાત જેટલા વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી તેમજ ગત શનિવારના રોજ ગુનાના કામે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા જૂનાગઢના હિરેન સુબા અને પાટણના કંબોઇ ગામ ખાતે રહેતા વિપુલ દેસાઈ નામના વ્યક્તિના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. 56 લાખ પૈકી 6 લાખ રૂપિયા જેટલી રકમ પરત અપાવવામાં પોલીસને સફળતા મળી હતી પરંતુ કંબોડિયાથી થયેલા ફ્રોડ કોલનુ પહેરું પોલીસને મળતું નથી. દરમિયાન રિમાન્ડ પરના 2 આરોપીએ ઓરીસ્સાના શખ્સનું નામ આપતાં રાજકોટ પોલિસ ટીમ ઓરીસ્સા તપાસ માટે જશે. આ ઉપરાંત બન્ને આરોપીએ જે લોકોને ખાતા આપ્યા છે તેઓના નામ પોલીસને આપ્યા છે પરંતુ હાલ તે તમામના ફોન બંધ આવી રહ્યા છે.
રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે 7 ઓક્ટોબર 2024 ના રોજ 73 વર્ષીય નિવૃત્ત બેંક મેનેજર મહેન્દ્ર મહેતા નામના વ્યક્તિ દ્વારા પોતાની સાથે રૂપિયા 56 લાખની ફ્રોડ થઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસને આપેલી ફરિયાદમાં મહેન્દ્ર મહેતાએ જણાવ્યું હતું કે 11 જુલાઈ 2024 ના રોજ પોતે પોતાની પત્ની સાથે હોસ્પિટલમાં હતા ત્યારે અજાણ્યા નંબર પરથી એક કોલ આવ્યો હતો. કોલ કરનાર વ્યક્તિએ પોતે પોલીસ ઇન્સ્પેક્ટર હોય તે પ્રકારની ઓળખ આપી હતી. તેમજ ત્યારબાદ અન્ય નંબર પરથી કોલ આવ્યો હતો. કોલ કરનાર વ્યક્તિએ જણાવ્યું હતું કે તમારા આધાર કાર્ડ પર કેનેરા બેંકમાં એકાઉન્ટ ખોલવામાં આવ્યું છે. જે બેન્ક એકાઉન્ટમાં ઓપનિંગ બેલેન્સ અઢી કરોડ રૂપિયા છે. એકાઉન્ટ સાઇબરફ ફ્રોડમાં વાપરવામાં આવ્યું છે તેમજ મની લોન્ડરિંગમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તો સાથે જ તમારું અરેસ્ટ વોરંટ પણ કાઢવામાં આવ્યું છે. ત્યારબાદ અજાણ્યા વ્યક્તિએ મહેન્દ્ર મહેતાને દર બે કલાકે વ્હોટસએપ કોલ કરી રિપોર્ટ કરવાનું કહ્યું હતું. તેમજ સવાર બપોર સાંજ ફોટો પાડીને વ્હોટસએપ મોકલવાનું કહેતા મહેન્દ્ર મહેતા પોતાનો ફોટો પણ મોકલી આપતા હતા. અજાણ્યા વ્યક્તિ દ્વારા વ્હોટસએપ સેબીનો એન્ટ્રી મની લોન્ડરિંગ બાબતે નો લેટર તેમજ ડાયરેક્ટ ઓફ એન્ફોર્સમેન્ટ તેમજ આરબીઆઈ તેમજ મારા નામનું કેનેરા બેન્કનું એટીએમ કાર્ડ, તેમજ મારા નામનું બેંક સ્ટેટમેન્ટ સહિતના ડોક્યુમેન્ટ મોકલી આપવામાં આવ્યા હતા. આમ મહેન્દ્ર મહેતાને અજાણ્યા વ્યક્તિ દ્વારા ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યા હતા. તેમજ ત્યારબાદ ક્રમશઃ મહેન્દ્ર મહેતા પાસે કેટલી મિલકત છે તેમજ કેટલા બેંક એકાઉન્ટ છે તેમાં કેટલા નાણા પડેલા છે તેમજ મ્યુચ્યુઅલ ફંડ શેર સહિતમાં કેટલા નાણા રોકવામાં આવ્યા છે તે સહિતની વિગતો મંગાવી હતી. જે વિગતો મહેન્દ્ર મહેતા દ્વારા અજાણ્યા વ્યક્તિ સાથે શેર કરવામાં આવી હતી.