વિદેશ મંત્રી એસ જયશંકરે ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે ભારત રશિયા પાસેથી ઓઈલ ખરીદવાનું ચાલુ રાખશે અને પશ્ચિમી દેશોના દબાણમાં કોઈ નિર્ણય લેશે નહીં. જર્મનીમાં મ્યુનિક સિક્યોરિટી કોન્ફરન્સમાં તેમણે કહ્યું- ભારત પાસે ઓઈલના ઘણા સ્ત્રોત છે અને રશિયા તેમાંથી એક છે.
જયશંકરને સવાલ પૂછવામાં આવ્યો - રશિયા સાથે વેપાર ચાલુ રાખતા ભારત અમેરિકા સાથેના તેના વધતા દ્વિપક્ષીય સંબંધોને કેવી રીતે બેલેન્સ કરી રહ્યું છે? જવાબમાં તેમણે કહ્યું- શું આ કોઈ સમસ્યા છે, શા માટે તે સમસ્યા હોવી જોઈએ? અમે સ્માર્ટ છીએ, અમારી પાસે ઘણા વિકલ્પો છે, તમારે અમારાં વખાણ કરવાં જોઈએ.
ખરેખરમાં, 24 ફેબ્રુઆરી 2022ના રોજ શરૂ થયેલા રશિયા-યુક્રેન યુદ્ધ પછીથી અમેરિકા અને યુરોપિયન દેશોએ રશિયા પર પ્રતિબંધો લાદ્યા છે. આમ છતાં ભારત રશિયા પાસેથી સસ્તું ક્રૂડ ઓઈલ ખરીદી રહ્યું છે. જયશંકરે કહ્યું કે ભારત રશિયા સાથે તેના સંબંધો જાળવી રાખવા માંગે છે, પરંતુ તે અમેરિકા સાથેના સંબંધોને પણ મહત્ત્વ આપે છે. તેમણે કહ્યું કે ભારત બંને દેશો સાથે સારા સંબંધો રાખવા સક્ષમ છે.
આ પહેલીવાર નથી જ્યારે વિદેશ મંત્રી એસ જયશંકરે સસ્તું રશિયન તેલ ખરીદવા માટે ભારતનું વલણ વ્યક્ત કર્યું હોય. આ પહેલાં પણ અનેક મંચો પર તેઓ સ્પષ્ટપણે ભારતનું વલણ જણાવી ચૂક્યા છે. જયશંકરે કહ્યું કે રશિયા એક સ્ત્રોત છે. ભારતને તેની ઊર્જા જરૂરિયાતો પૂરી કરવા માટે શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવાનો અધિકાર છે.