કચ્છને સૌરાષ્ટ્ર સાથે જોડતા સુરજબારી ધોરીમાર્ગ પર ફરી એક વખત વાહનચાલકો ટ્રાફિકજામમાં ફસાયા છે. ગત રાત્રિના 2 વાગ્યે ટ્રેઈલર રોંગ સાઈડમાં આવી ગયુ હતું જેના કારણે ચોખા ભરીને મોરબીથી કચ્છ તરફ આવતી ટ્રક માળિયાના હરિપર આગળ પલટી ગઈ હતી. જેથી અકસ્માત થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ બાધિત થયો છે અને સવારના 11 વાગ્યા સુધી માર્ગ બંધ રહેતા 25 કિલોમીટર જેટલો લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. જે બાદ ધીમે ધીમે વાહનો આગળ વધી રહ્યા છે. જોકે, હાલ પણ ટ્રાફિક જામ રહેતા વાહનચાલકો પરેશાન થયા છે.
સદભાગ્યે અકસ્માતમાં જાનહાનિ ટળી હતી. જોકે, માળિયા પોલીસ અને સુરજબારી ટોલગેટની ઇએમટી ટીમ દ્વારા હાલ મોરબી તરફના માર્ગને ખુલ્લો કરી દેવાયો છે. જેથી વાહનો ધીમી ગતિ સાથે આગળ વધી રહ્યા છે. જ્યારે માળિયાથી સામખીયાળી તરફ આવતાં વાહનો હજુ ટ્રાફિક જામમાં ફસાયેલા છે. જેના કારણે વાહન ચાલકોના સમય અને શક્તિનો વ્યય થઈ રહ્યો છે.