કોઈ સંતો-મહંતોને સમાધિ અપાય કે કોઈ વ્યક્તિ પાળેલા પ્રાણીને સમાધિ આપે, તેવી ઘટનાઓ તો રોજબરોજ બને છે પરંતુ લાઠી તાલુકાના પાડરશીંગા ગામના ખેડૂત સંજય પોરલાએ કારને સમાધિ આપી છે. આ કાર લીધા બાદ આર્થિક સમૃદ્ધિ આવી હોઈ ભંગારમાં વેચવા કે બીજા કોઈને આપવા કરતાં પોતાની જમીનમાં તેની કાયમી યાદગીરી બનાવી લીધી હતી. આ વાત છે લાઠી તાલુકાના પાડરશીંગા ગામની. આજે ગામમા અનેરા ઉત્સાહ સાથે ઢોલ અને ડીજેના તાલ સાથે રાસની રમઝટ બોલી હતી. અહી કોઇ લગ્ન પ્રસંગ કે ધાર્મિક ઉત્સવ ન હતો.
પરંતુ એક સમાધીનો કાર્યક્રમ હતો. અને આ સમાધી પણ કોઇ માણસ કે જીવની નહી પરંતુ એક કારની સમાધી હતી. પાડરશીંગા ગામના ખેડૂત સંજય પોલરાએ વર્ષ 2013-14મા એક કાર ખરીદી હતી. તેઓ ગામમા મકાન અને સીમમા ખેતીની જમીન ધરાવે છે. અને બાદમા ધંધાર્થે સુરત પણ ગયા હતા.
તેઓ માને છે કે આ કાર તેમના માટે લક્કી છે અને તેના આવ્યા બાદ આર્થિક સમૃધ્ધિ પણ આવી અને પ્રતિષ્ઠા પણ વધી. આ કાર જુની હોય તેને વેચી નાખવાની કે ભંગારમા આપી દેવાના બદલે શાસ્ત્રોકત વિધી સાથે સમાધી આપવાનો તેમણે નિર્ણય કર્યો હતો. આ માટે તેમણે આસપાસના સંતો મહંતોને નોતરૂ પણ મોકલ્યુ હતુ. અને પોતાના સગા સંબંધીઓને પણ બોલાવ્યા હતા.