Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

લીંબડી-લખતર હાઈવે પર ઘાઘરેટિયા ગામ નજીક પાણી ભરેલા ખાડામાં કાર ખાબકતાં રાજકોટના બે પિતરાઈ ભાઈઓનાં મોત થયા હતા. એક જ કુટુંબના બે જુવાનજોધ પુત્રના મૃત્યુ સમાચાર સાંભળીને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યુ હતું.


મૂળ લીંબડી તાલુકાના ઉઘલ ગામના અને હાલ રાજકોટ,‌ નવાગામ પાસે સોમનાથ રેસિડેન્સીમાં રહી પટોળાનો વ્યવસાય કરતાં અશોકભાઈ વશરામભાઈ મારૂ અને રાજકોટના જામનગર રોડ પાસે હાઉસિંગ ક્વાર્ટર, એસઆરપી કેમ્પ પાસે રહેતા જયેશભાઈ ઈશ્વરભાઈ મારૂ લીંબડી તાલુકાના તાવી, શિયાણી, લક્ષ્મીસર સહિતના ગામોમાં બનાવેલા પટોળા ખરીદવા માટે બુધવારે બપોરે કાર લઈને નીકળ્યા હતા. પટોળાની ખરીદી કર્યા બાદ બન્ને પિતરાઈ ભાઈઓ રાતે રાજકોટ પરત ફરી રહ્યા હતા ત્યારે લખતર-લીંબડી‌ હાઈવે પર ઘાઘરેટિયા ગામ નજીક ચાલક અશોક મારૂએ સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર પાણી ભરેલા ખાડામાં ખાબકી હતી. કાર પાણીમાં ડૂબી ગઈ હતી.

જીવ બચાવવા પિતરાઈ ભાઈઓએ પ્રયત્ન કર્યા હશે પરંતુ કારના દરવાજા લોક થઈ જતાં બન્ને કાર બહાર નીકળી શક્યા ન હતા. ડૂબી જવાને કારણે બંને ભાઈઓનાં મોત નીપજ્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સવારે રોડ પરથી પસાર થતા રાહદારીઓએ ખાડામાં ડૂબેલી કાર જોઈ ઘટના અંગે પોલીસને જાણ કરી હતી. લીંબડી પોલીસ મથકના ચંદુભાઈ બાવળિયા, નવઘણભાઈ, લક્ષ્મણભાઈ બનાવના સ્થળે દોડી આવ્યા હતા.

પાણીમાં ડૂબેલી કારમાં ફસાયેલા બન્ને ભાઈઓના મૃતદેહને બહાર કાઢી પીએમ માટે લીંબડી સરકારી હૉસ્પિટલે ખસેડી મૃતકોના પરિવારજનોને જાણ કરી હતી. મૃતકના પરિવારના સભ્યો લીંબડી દોડી આવ્યા હતા. એક જ કુટુંબના બે જુવાનજોધ પુત્રના મૃતદેહ જોઈ પરિવારજનો આક્રંદ કરી શોકમગ્ન બની ગયા હતા. બન્ને મૃતક પિતરાઈ ભાઈઓના પરિવારના સભ્યોનું રુદન સાંભળી હૉસ્પિટલનું વાતાવરણ ગમગીન બની ગયું હતું.