ભારત દેશના 780 જિલ્લામાંથી રાજકોટ જિલ્લાને પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું છે અને પી.એમ.એવોર્ડસ ફોર એક્સેલેન્સ ઈન પબ્લિક એડમિનિસ્ટ્રેશન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લામાં 32 હજારથી વધુ ઘર સૂર્યઘર યોજનાથી જોડાયા છે અને 81 વપરાશકર્તા ઉત્પાદક બન્યા છે. રાષ્ટ્રીય સ્તરે હોલિસ્ટિક ડેવલપમેન્ટ કેટેગરીમાં રાજકોટને સર્વશ્રેષ્ઠ જિલ્લાનો એવોર્ડ મળ્યો છે. ગ્રામીણ વિસ્તારોમાં વિકાસ યોજનાઓના અસરકારક અમલમાં રાજકોટ જિલ્લાને દેશભરમાં અવ્વલ સ્થાન પ્રાપ્ત થયું છે.
જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લો વસ્તીની દૃષ્ટિએ મોટો છે. અંદાજિત સંખ્યા 45 લાખની છે. બીજા રાજ્ય અને જિલ્લામાંથી આવેલા લોકો અહીં વસવાટ કરે છે. તે તમામ સુધી આરોગ્યલક્ષી સેવા અને યોજનાની કામગીરી પહોંચાડવી તે એક મુશ્કેલ ટાસ્ક હતો. જે ટીમના સંયુક્ત પ્રયાસથી શક્ય બન્યો છે. હોલિસ્ટિક ડેવલપમેન્ટ કેટેગરી અંતર્ગત તંત્ર દ્વારા હર ઘર નલ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, મિશન ઈન્દ્રધનુષ, આયુષ્માન ભારત- પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, પીએમ સ્વનિધી, પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના, ખેડૂતો, પશુપાલન અને માછીમારી માટે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, પીએમ વિશ્વકર્મા, સૂક્ષ્મ આંગણવાડી અને પોષણ 2.00, પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના સહિત કુલ 11 યોજનાના લાભ લોકો સુધી પહોંચાડવામાં આવ્યા તેની કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. કમિટીના મૂલ્યાંકન બાદ રાજકોટ જિલ્લાએ દેશના ટોચના 5 જિલ્લામાં સ્થાન મેળવ્યું છે. આ સિવાય સક્ષમ આંગણવાડી અને પોષણ 2.00 અંતર્ગત 888થી વધુ લાભાર્થીઓ જિલ્લામાં લાભ મેળવે છે.આ સિવાય મહિલા સ્વ સહાય જૂથો દ્વારા બનાવેલા શિંગની ચક્કી અને રમકડાં આપવામાં આવ્યા હતા અને 394 પોષણ વાટિકાઓની સ્થાપના કરાઈ હતી. પ્રધાનમંત્રી આવાસ યોજના(શહેરી) હેઠળ 9200થી વધુ મકાન, બગીચા, આંગણવાડીઓ, રૂફટોપ સોલાર,વરસાદી પાણીનું સંચય વગેરે જેવી આધુનિક સુવિધાઓ સાથે બનાવાયા છે.જેમાં 12 હાઉસિંગ પ્રોજેક્ટને ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેટ મળ્યું છે.