શહેરના ઉપલાકાંઠા વિસ્તારની યુવતીના એક મહિના પૂર્વે જ કોટડાસાંગાણીના યુવક સાથે લગ્ન થયા હતા, યુવતીએ રાજકોટમાં પિતાના ઘરે ઝેરી દવા પી જીવનનો અંત અાણી લીધો હતો.
સંત કબીર રોડ પરના નંદુબાગમાં રહેતા નરેન્દ્રભાઇ મુંડિયાના ઘરે ગુરૂવારે સાંજે તેની પરિણીત પુત્રી હિરલ જયદીપ પાડિયા (ઉ.વ.24)એ ઝેરી દવા પી લેતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. બનાવની જાણ થતાં બી.ડિવિઝન પોલીસ દોડી ગઇ હતી, પોલીસસૂત્રોએ જણાવ્યું હતું કે, હિરલના એક મહિના પહેલા જ કોટડાસાંગાણીના યુવક જયદીપ પાટડિયા સાથે લગ્ન થયા હતા, જયદીપ રાજકોટમાં એચ.જે.સ્ટીલ ફેક્ટરીમાં નોકરી કરે છે, ગુરૂવારે જયદીપને તેના મિત્ર સાથે પ્રસંગમાં જવાનું હોય તે હિરલને લઇને આવ્યો હતો અને તેના પિતાના ઘરે ઉતારીને જયદીપ જતો રહ્યો હતો, બાદમાં હિરલે પગલું ભરી લીધું હતું.
અન્ય બનાવમાં મવડીના સાવન બંગ્લોઝમાં રહેતા જયાબેન કેશુભાઇ મેઘાણી (ઉ.વ.60)એ ઘરે ફળિયામાં જઇ શરીર પર કેરોસીન છાંટી કાંડી ચાંપી દીધી હતી, ગંભીર રીતે દાઝી ગયેલા જયાબેનનું મોત નીપજ્યું હતું. માનસિક બીમારીથી કંટાળી પ્રૌઢાએ પગલું ભર્યાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું.