શહેરના દોઢસો ફૂટ રિંગ રોડ પરના વિસ્તારમાં રહેતી પરિણીતાએ પાડોશમાં રહેતા વનરાજસિંહ ધાંધલ નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. પરિણીતાની ફરિયાદ મુજબ, તેને સંતાનમાં દીકરો, દિકરી છે. તે પૈકી ધો.12 બાદ સી.એ.ના ક્લાસ કરતી 17 વર્ષની મોટી દીકરી શનિવારે પોતાને વાત કરતા કહ્યું કે, સાંજે પોણા સાતેક વાગ્યે ઘરે આવતી હતી. ત્યારે લિફ્ટમાં આપણી વિંગમાં રહેતા વનરાજસિંહ પણ હતા. શનિવારે સોસાયટીમાં જમણવારનો પ્રોગ્રામ હોય પોતાને તું જમવા આવીશ કે નહિની વાત કરી હતી.
જેથી તેને ના પાડતા તેને એકલતાનો લાભ લઇ પોતાના ગાલે હાથ ફેરવી હું તને નાસ્તો કરવા લઇ જઇશનું કહ્યું હતું. આ સમયે લિફ્ટ ઊભી રહેતા પોતે તુરંત બહાર નીકળી ઘરમાં આવી ગઇ હતી. થોડી વાર બાદ વનરાજસિંહ ઘરે આવી કહ્યું કે, તું નીચે આવી મને તારો મોબાઇલ નંબર આપી જજે. કહી જતા રહ્યાં હતા. પુત્રીની વાત સાંભળી હવે કંઇ કરે તો મને વાત કરજે તેમ કહી સાંત્વના આપી હતી. ત્યાર બાદ રાત્રીના પુત્રી સોસાયટીના બગીચામાં સહેલીઓ સાથે બેસવા ગઇ ત્યારે ફરી વનરાજસિંહ તેની પાસે આવી નંબર માગી બીભત્સ ઇશારા કરવા લાગ્યા હતા.
પોતાની પાસે આવી તારે મને મોબાઇલ નંબર આપવા જ પડશે અને મારી સાથે પ્રેમસંબંધ રાખવો જ પડશે કહી જતા રહ્યાનું પુત્રીએ જણાવ્યું હતું. બાદમાં રવિવારે સવારે વનરાજસિંહે ફોન કરી પુત્રીને નાસ્તો કરવા લઇ જવાની વાત કરતા ફરિયાદ નોંધાવી હતી. પોલીસે વનરાજસિંહને કાયદાનું ભાન કરાવ્યું હતું.