રાજકોટ લોકમેળા સમિતિ અને વહીવટીતંત્ર દ્વારા આગામી ઓગસ્ટ માસમાં જન્માષ્ટમી પ્રસંગે આયોજિત કરાયેલા પાંચ દિવસના ભાતીગળ લોકમેળાની તૈયારીઓ પુરજોશમાં આરંભી દેવામાં આવી છે. લોકમેળાના સ્ટોલ અને રાઇડ્સના ફોર્મનું આગામી તા. 18થી 25 સુધી વિતરણ કરવાનું આયોજન ઘડી કાઢવામાં આવેલ છે તેમજ લોકમેળાના સ્ટોલના ભાવમાં આ વખતે એવરેજ 10 ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં અમૂકમાં 5 ટકા, 7 ટકા તો કેટલાક સ્ટોલ અને રાઇડ્ઝના ભાડામાં 10 ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજકોટનાં રેસકોર્સ મેદાનમા સાતમ-આઠમના લોકમેળાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં સ્ટોલના ભાવવધારા અંગે આજે બપોરના લોકમેળા સમિતિની આયોજીત કરાયેલ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. ડેપ્યુટી કલેકટર અને લોકમેળા સમિતિના ચાંદની પરમારની અધ્યક્ષતામાં લોકમેળા સમિતિની બેઠક મળી હતી. જેમાં કેટેગરી વાઈસ સ્ટોલ્સ અને રાઇડ્સના ભાડામાં એવરેજ 10 ટકાનો વધારો કરવામા આવ્યો હોવાનુ જાણવા મળી રહ્યું છે. જોકે, કયા સ્ટોલ અને રાઇડઝના ભાવમાં કેટલો વધારો થયો છે તે આગામી સમયમા જાહેર કરવામાં આવશે.