વર્લ્ડ કપ 2023માં નેધરલેન્ડ્સે દક્ષિણ આફ્રિકાને 38 રનથી હરાવ્યું છે. છેલ્લા 3 દિવસમાં આ બીજી મોટો અપસેટ છે. આ પહેલા 15 ઓક્ટોબરે અફઘાનિસ્તાને દિલ્હીમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડને 69 રનથી હરાવ્યું હતું.
મંગળવારે ધર્મશાલા મેદાનમાં દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા નેધરલેન્ડ્સે 43 ઓવરમાં 8 વિકેટે 245 રન બનાવ્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકા 42.5 ઓવરમાં 207 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ટોસ બાદ વરસાદને કારણે ઓવરો ટૂંકી કરવામાં આવી હતી.
પાવરપ્લે- ઓપનર્સ પેવેલિયન પરત ફર્યા
246 રનના લક્ષ્યને ચેઝ કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમની શરૂઆત ખાસ રહી ન હતી. ટીમના ઓપનર પ્રથમ 10 ઓવરમાં જ પેવેલિયન પરત ફર્યા હતા. પાવરપ્લેમાં ટીમે 41 રન બનાવ્યા હતા. કેપ્ટન ટેમ્બા બાવુમા 16 રન બનાવીને આઉટ થયા હતા અને ક્વિન્ટન ડી કોક 20 રન બનાવીને આઉટ થયા હતા.
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી નેધરલેન્ડ્સની ટીમે 43 ઓવરમાં 8 વિકેટે 245 રન બનાવ્યા હતા. ડચ ટીમ વતી કેપ્ટન સ્કોટ એડવર્ડ્સે ધર્મશાલા મેદાન પર 78 રનની અણનમ ઇનિંગ રમી હતી, જ્યારે રોલોફ વાન ડેર મર્વે 29 રનનું યોગદાન આપ્યું હતું.