ભારતીય શેરબજાર માટે 2023નું વર્ષ શાનદાર રહ્યું છે. વિદેશી રોકાણકારો યુદ્ધ, વૈશ્વિક રાજકીય અને અન્ય અનિશ્ચિત્તા છતા ભારત પર વિશ્વાસ અકબંધ રાખ્યો છે અને દરેક ઘટાડે બમણી ખરીદારી કરીને બજારને નવા શિખર પર પહોંચાડયું છે અને રોકાણકારોની સંપત્તિમાં અંદાજીત રૂ.80.6 લાખ કરોડનો બમ્પર વધારો નોંધાયો છે. વર્ષ 2024નું પ્રથમ ટ્રેડિંગ સત્ર પણ મિશ્ર ટ્રેડ સાથે નજીવા ઉછાળા સાથે સમાપ્ત થયું હતું. બીએસઈ સેન્સેક્સે 72562 પોઈન્ટની નવી ઓલ ટાઈમ હાઈની સપાટી નોંધાવી 31 પોઈન્ટના નજીવા ઉછાળા સાથે 72272 પોઈન્ટ આસપાસ બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી ફ્યુચર પણ 22025 પોઈન્ટની નવી ઓલ ટાઈમ હાઈની સપાટી નોંધાવી નિફ્ટી ફ્યુચર 55 પોઈન્ટના ઘટાડા સાથે 21830 પોઈન્ટ આસપાસ બંધ રહી હતી. તેમજ બેંક નિફ્ટી ફ્યુચર 224 પોઈન્ટના ઘટાડા સાથે 48405 પોઈન્ટ આસપાસ બંધ રહી હતી.
BSE પર મીડકેપ ઈન્ડેક્સ 0.54% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.73% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ઓટો, બેન્કેક્સ અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસિસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4047 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 1385 અને વધનારની સંખ્યા 2509 રહી હતી, 153 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.