રાજકોટ શહેરના રૈયા રોડ પર આવેલા સુભાષનગર શેરી નં.3ના મેઇન રોડ પર સ્વસ્તિક સોસાયટીના કોર્નર પાસે બંધ શેરીમાં એકીસાથે છ મકાન વિધર્મીઓને વેચવાની હિલચાલ થતા વિસ્તારવાસીઓ ભાજપના આગેવાનો સાથે કલેક્ટર કચેરી ખાતે દોડી આવ્યા હતા અને કલેક્ટરને લેખિતમાં આવા મકાનોના વેચાણને મંજૂરી ન આપવા રજૂઆત કરી હતી.
રહીશોએ લેખિતમાં એવી રજૂઆત કરી હતી કે, સુભાષનગર, સ્વસ્તિક સોસાયટી, ધ્રુવનગર, શ્રીજીનગર, શ્રેયસ સોસાયટી, ચુડાસમા પ્લોટ વગેરે વિસ્તારમાં ગુજરાત સરકાર દ્વારા અશાંતધારો લાગુ કરવામાં આવેલો છે. જેથી કોઇપણ મિલકત વેચાણથી આપતી વખતે કે અન્ય રીતે ટ્રાન્સફર કરતી વખતે આપની મંજૂરી લેવી જરૂરી છે, પરંતુ આ કાયદાનો ભંગ કરી અનેક વિધર્મીઓ આ વિસ્તારમાં મિલકતો આપની મંજૂરી વગર તબદીલ કરવાના પ્રયત્નો કરે છે.
આ પ્રકારના કિસ્સાઓથી સમગ્ર વિસ્તારનું ધાર્મિક સંતુલન વિખેરાઇ રહ્યું છે અને એક ચોક્કસ પ્રકારના ધર્મના લોકોનું ધ્રુવીકરણ આ વિસ્તારમાં વધુને વધુ થઇ રહ્યું છે. જે સત્વરે કાયદાની જોગવાઇઓ ધ્યાને લઇ અટકાવવું જરૂરી જણાય છે. જેથી હવે પછી આપના સમક્ષ ઉપરોક્ત વિસ્તારમાં મિલકત વેચાણ અંગેની અશાંતધારા હેઠળ મંજૂરી મેળવવા અરજી કરવામાં આવે તો તે અંગે યોગ્ય તપાસ કરી નિર્ણય કરવા અને આસપાસના લોકોનો અભિપ્રાય મેળવવા રજૂઆત કરી હતી.