રાજકોટ શહેરમાં હાર્ટએટેકથી મૃત્યુના કિસ્સા ચિંતાજનક રીતે વધી રહ્યા છે. અઠવાડિયે સરેરાશ 12થી 13 લોકોના મૃત્યુ થઇ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં એક યુવક સહિત વધુ ચારના હાર્ટફેઇલ થઇ ગયા હતા. રૈયાધારના બંધસીધર પાર્કમાં રહેતા રઘુભાઇ વિહાભાઇ શિયાળિયા (ઉ.વ.54) રવિવારે રાત્રે પોતાના ઘરે હતા ત્યારે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ બેભાન થઇ જતાં તેમને હોસ્પિટલમાં ખસેડાયા હતા, પરંતુ તેમનું મૃત્યુ થયું હતું. રઘુભાઇ ચાર બહેન અને ચાર ભાઇમાં મોટા હતા અને તેમને સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. ડ્રાઇવિંગ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા.
તેમજ આરટીઓ પાછળ હાઉસિંગ બોર્ડ ક્વાર્ટરમાં રહેતા મધુભાઇ પોલાભાઇ સાંબડ (ઉ.વ.46) રવિવારે સાંજે માર્કેટિંગ યાર્ડમાંથી છકડો રિક્ષામાં શાકભાજી ભરીને મોચી બજારમાં આવ્યા હતા ત્યારે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ બેભાન થઇ ગયા હતા તેમને પણ હોસ્પિટલે લઇ જવાયા હતા, પરંતુ તેમનું મૃત્યુ થયું હતું. મધુભાઇ બે ભાઇ અને ચાર બહેનમાં ચોથા નંબરના હતા અ્ને તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. આ ઉપરાંત શહેરના 80 ફૂટ રોડ પરના ઉમાકાંત પંડિત ઉદ્યોગનગરમાં રહેતા રમેશભાઇ જીવરાજભાઇ અમીપરા (ઉ.વ.55) સોમવારે સવારે ઉમાકાંત ઉદ્યોનગરમાં આવેલા પોતાના કારખાને હતા ત્યારે બેભાન થઇ ગયા હતા અને બેભાન હાલતમાં જ તેમનું મૃત્યુ થયું હતું.
કારખાનેદારનું હાર્ટએટેકથી મૃત્યુ થયાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું. રમેશભાઇના મૃત્યુથી તેમના બે પુત્રએ પિતાની છત્રછાંયા ગુમાવી હતી. તેમજ મધ્ય પ્રદેશનો વતની કારૂલાલ પ્રભુલાલ મેઘવાલ (ઉ.વ.36) બોલેરોમાં ફ્રૂટ ભરીને મધ્યપ્રદેશથી રાજકોટ મેંગો માર્કેટમાં આવ્યો હતો અને રવિવારે રાત્રે બોલેરોમાં સુતા બાદ અન્ય એક ડ્રાઇવર કન્હૈયાલાલે જગાડતા તે ઉઠ્યો નહોતો અને તેનું મૃત્યુ થયું હતું. કારૂલાલ બે ભાઇમાં નાનો અને કુંવારો હતો.