રાજકોટના જામનગર રોડ ખાતે ઘંટેશ્વર ખાતે રૂ.110 કરોડના ખર્ચે નિર્માણ પામેલા નવા કોર્ટ બિલ્ડિંગનું આજે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ વાય.જે.ચંદ્રચૂડ ઉદઘાટન કરવાના છે જે ખૂબ જ સારી બાબત છે પરંતુ તેની સાથોસાથ ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા દ્વારા રાજકોટમાં વર્ષોથી પેન્ડિંગ ક્રિમિનલ અને સિવિલ કેસોના ભારણને ધ્યાનમાં લેવું જોઇએ અને તે મુજબ રાજકોટને નવી કોર્ટો શરૂ કરવા મંજૂરી આપવી જોઇએ અને તેમાં ન્યાયમૂર્તિઓની નિમણૂક થાય તેવી વ્યવસ્થા ગોઠવવી જોઇએ. સોમવારથી 47 કોર્ટ એક જ બિલ્ડિંગમાં બેસશે.
રાજકોટ શહેરમાં હાલ 47 જેટલી ક્રિમિનલ અને સિવિલ કોર્ટ કાર્યરત છે અને તેમાં કુલ 1,13,573 જેટલા કેસો પેન્ડિંગ છે. જેમાં 87092 ક્રિમિનલ કેસો અને 26480 સિવિલ કેસોનો સમાવેશ થાય છે.આ પેન્ડિંગ કેસોમાંથી હજારો કેસો તો 30 થી 40 વર્ષ કરતા વધુ સમયથી પેન્ડિંગ છે કે જેમાં અમુક કેસોમાં ફરિયાદીઓ તો અમુક કેસોમાં આરોપીઓ તો અમુક કેસોમાં સાક્ષીઓના નિધન પણ થઇ ગયા છે, મોટાભાગના કેસમાં તો તપાસનીશ અધિકારીઓ નિવૃત્ત પણ થઇ ગયા છે અને અમુક કેસના તપાસનીશ અધિકારીઓ હાલ હયાત પણ નથી અને છતાં આ કેસો હજુ સુધી બોર્ડ પર આવ્યા નથી ત્યારે પીડિતોને ન્યાય કયારે મળશે તેવો પ્રશ્ન ઉઠી રહ્યો છે.
રાજકોટ બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ લલિતસિંહ શાહીએ જણાવ્યું હતું કે હાલમાં રાજકોટમાં કેસના ભારણને ધ્યાનમાં લઇને ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ પાસે નવી પાંચ એપેલન્ટ કોર્ટ શરૂ કરવી જોઇએ અને 10 નીચલી કોર્ટ શરૂ કરવી જોઇએ.જો આ મુદ્દે તાકીદે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તો પેન્ડિંગ કેસોનો ભરાવો ઝડપથી ઓછો થાય અને પીડિતોને ન્યાય મળી શકે.