રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા માટે વિવિધ અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે અને રાજકોટને સ્વચ્છ, સુંદર તેમજ રળિયામણું બનાવવા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જોકે ગંદકી ફેલાવનારા સુધરતા નથી. જેને લઈ આવા લોકો સામે દંડનીય પગલાં લેવાઈ રહ્યા છે, ત્યારે રાજકોટ મનપા દ્વારા જાહેરમાં કોગળા કરતા અને થૂંકતા બે દિવસમાં વધુ 22 નાગરિકોને ઈમેમો ફટકારાયો હતો અને કચરો સળગાવતા સફાઇ કામદાર પકડાતા તેમની સામે પણ દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર મનપા દ્વારા ચાલતા નિર્મળ ગુજરાત 2.0 અભિયાન અંતર્ગત માત્ર પાન-માવો ખાનારા નહીં પરંતુ કોગળા કરતા લોકોને પણ ગંદકી સબબ ઇ-મેમો મોકલાઇ રહ્યા છે, ત્યારે તા.8 અને 9ના રોજ જુદા-જુદા વિસ્તારમાંથી પાન-ફાકી ખાઇને થૂંકતા 22 વાહન ચાલકો CCTVમાં પકડાતા ઇ-મેમો મોકલાયા છે. તેમાં પાણીની બોટલમાંથી કોગળા કરતા લોકોને પણ મેમો મોકલવામાં આવ્યા હતા. માત્ર પાણીનાં કોગળા કરવા બદલ ઈમેમો મોકલવામાં આવતા ભોગ બનનારા નાગરિકોમાં થોડો કચવાટ પણ જોવા મળ્યો હતો.