વર્ષ 2023 દરમિયાન ઉચ્ચ ફુગાવો, વ્યાજદરોમાં સતત વૃદ્ધિ અને ભૌગોલિક રાજકીય તણાવ વચ્ચે રોકાણકારોએ તેના રોકાણની સલામતી માટે ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ETFs) પર ભરોસો જાળવી રાખતા 2023 દરમિયાન ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સમાં રૂ.2,920 કરોડનું નોંધપાત્ર રોકાણ જોવા મળ્યું હતું. ગત વર્ષ કરતાં તેમાં રોકાણમાં છ ગણો ઉછાળો નોંધાયો હતો.
એસોસિએશન ઑફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (Amfi)ના ડેટા અનુસાર ગોલ્ડ ઇટીએફની એસેટ બેઝ અને રોકાણકારોના ખાતામાં પણ વૃદ્ધિ નોંધાઇ છે. વર્ષ 2022માં તેમાં રૂ.459 કરોડનું રોકાણ નોંધાયું હતું. ઓગસ્ટ 2023માં આ સેગમેન્ટમાં રૂ.1,028 કરોડનું રોકાણ આકર્ષિત થયું હતું, જે છેલ્લા 16 મહિનામાં સર્વોચ્ચ સ્તરે હતું.
ગોલ્ડ ઇટીએફમાં થયેલા જંગી રોકાણથી ગોલ્ડ ફંડ્સની એસેટ અંડર મેનેજમેન્ટ (AUM) 27% વધીને ડિસેમ્બર 2023ના અંત સુધીમાં રૂ.27,336 કરોડના સ્તરે પહોંચી છે, જે ગત વર્ષના સમાન સમયગાળા દરમિયાન રૂ.21,455 કરોડ હતી. છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન ઉત્કૃષ્ટ પ્રદર્શનને કારણે સોનું રોકાણકારોની રૂચિ વધારવામાં સફળ રહ્યું છે અને એકાઉન્ટ્સની સંખ્યામાં સતત વૃદ્ધિ એ તેના આકર્ષણનું દ્રષ્ટાંત છે.
વર્ષ 2023માં ફુગાવા વચ્ચે સેફ હેવન તરીકે સોનાનું આકર્ષણ યથાવત્ રહ્યું હતું. મોર્નિંગસ્ટાર ઇન્વેસ્મેન્ટ રિસર્ચના એસોસિએટ ડિરેક્ટર મેનેજર હિમાંશુ શ્રીવાસ્તવે જણાવ્યું કે ઉચ્ચ ફુગાવો અને વ્યાજદરોમાં સતત વધારાનો ફાયદો સોનાને મળ્યો હતો. તદુપરાંત ઇઝરાયલ અને હમાસ વચ્ચે છેડાયેલા યુદ્ધને કારણે ઉદ્દભવેલા ભૌગોલિક રાજકીય તણાવને કારણે પણ સોનું રોકાણકારો માટે સલામત અને આકર્ષક એસેટ બની હતી. ઝીરોધા ફંડ હાઉસના CEO વિશાલ જૈને જણાવ્યું કે ભારતીયોનું સોના પ્રત્યેનું આકર્ષણ સદીઓથી છે પરંતુ અપનાવવાને મામલે ગોલ્ડ ઇટીએફ જેવી રોકાણ પ્રોડક્ટ્સમાં હજુ મોમેન્ટમ ઓછું છે. વર્ષોથી આધુનિકીકરણ, સરળતા અને પ્રોડક્ટ્સની વિશાળ રેન્જ ઉપલબ્ધ હોવાથી રોકાણકારોમાં ગોલ્ડ ઇટીએફ ધીમે ધીમે સ્થાન બનાવી રહ્યું છે.