વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા સ્પંદન સર્કલ પાસે પૂરપાટ ઝડપે જઈ રહેલી એસ. ટી. બસે બાઈકચાલકને અડફેટે લેતા તેમનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટનાના સીસીટીવ પણ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે, સર્કલ પર બાઈકચાલક પસાર થવા જતાની સાથે જ કાળ બનીને બસ આવી જાય છે અને બાઈકને અડફેટે લે છે. બસની જોરદાર ટક્કરથી બાઈકચાલક 30 ફૂટ જેટલો રોડ પરજ ઢસડાઈ છે. આ મામલે માંજલપુર પોલીસે આરોપી એસ. ટી. બસના ડ્રાઇવરની ધરપકડ કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે.
પિતાનું અકસ્માત થયાનો કોલ આવ્યો હતોઃ તેજસ
મૂળ ઊંઝાના કરલી ગામના અને હાલ વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલી શિવકુંજ રેસીડેન્સીમાં રહેતા તેજસભાઇ રાજેન્દ્રભાઈ પટેલ (ઉં.વ.33)એ માંજલપુર પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, 19 જુલાઈના રોજ મારા પિતા રાજેન્દ્રભાઇ પટેલ (ઉં.વ.53)ને પોતાના આધાર કાર્ડમાં જન્મ તરીખનો સુધારો કરવાનો હોવાથી તેઓ સવારે પોતાનું બાઇક લઈને ઘરેથી સ્પંદન સર્કલ પાસે આવેલ વોર્ડ નં.17 ખાતે જવા માટે સવારે 7 વાગ્યે ઘરેથી નીકળ્યા હતા. ત્યારબાદ 7.50 વાગ્યે મારા મોબાઇલ ફોન પર મારા પિતાના મોબાઇલ નંબરથી ફોન આવ્યો હતો અને કોઇ અજાણી વ્યક્તિએ મને કહ્યું હતું કે, તમારા પિતાનો સ્પંદન સર્કલ પાસે અકસ્માત થયો છે, જેથી તમો અહીં આવો.