ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 16મી સીઝનમાં 55 મેચ રમાઈ છે. આ ગેમમાં અત્યારસુધી મોંઘા વેચાયેલા ઘણા સ્ટાર ખેલાડીઓ નિષ્ફળ રહ્યા છે. એ જ સમયે બેઝ પ્રાઇસ અથવા એની નજીકની કિંમત પર હરાજી થનારા ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે.
IPL 2023ના સૌથી મોંઘા ખેલાડી, ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર સેમ કરનનું પ્રદર્શન પંજાબ કિંગ્સ માટે અત્યારસુધી એવરેજ રહ્યું છે. પંજાબની ટીમે સેમ પર 18.5 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. તેણે માત્ર એક મેચમાં સારો દેખાવ કર્યો હતો. સીઝનની 31મી મેચમાં તેણે મુંબઈ ઈન્ડિયન્સ સામે અડધી સદી ફટકારીને ટીમની જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
સેમે આ સીઝનમાં 11 મેચમાં અડધી સદીની મદદથી 196 રન બનાવ્યા છે. આ દરમિયાન સેમનો સ્ટ્રાઈક રેટ 137.06 હતો. તેના નામે સાત વિકેટ છે. તેણે 9.55 ઈકોનોમી સાથે રન આપ્યા છે.
આઈપીએલમાં ઓસ્ટ્રેલિયાના આ સ્ટાર ઓલરાઉન્ડરની આ પ્રથમ સીઝન છે. ગ્રીનને મુંબઈએ 17.50 કરોડમાં ખરીદ્યો હતો. અત્યારસુધીની મેચમાં ગ્રીન બેટ અને બોલ બંનેથી કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નથી. તેણે અત્યારસુધી 11 મેચ રમી છે અને આ દરમિયાન તેણે કુલ 274 રન બનાવ્યા છે.
ગ્રીનનો આઈપીએલનો સર્વશ્રેષ્ઠ સ્કોર 64 રન છે. તેણે 6 વિકેટ પણ લીધી છે. બોલિંગમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 41 રનમાં 2 વિકેટ લેવાનું રહ્યું છે. આગામી મેચમાં તેની પાસેથી વધુ સારા પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવશે.
ઈંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સને IPL 2023ની હરાજીમાં ચેન્નઈ સુપર કિંગ્સે 16.25 કરોડની ભારે કિંમતમાં ખરીદ્યો હતો. તે ટીમની અપેક્ષાઓ પર ખરો ઊતર્યો નથી. સ્ટોક્સે ગુજરાત ટાઇટન્સ સામે 7 અને લખનઉ સામે 8 રન બનાવ્યા હતા. સ્ટોક્સે લખનઉ સામે બોલિંગ કરતી વખતે એક ઓવરમાં 18 રન આપ્યા હતા. અહેવાલો અનુસાર, તે ઈજાગ્રસ્ત છે.