રેલવે સ્ટેશન ખાતે પોઈન્ટ મેનની બોગસ નોકરી પકડી પાડનારને સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટ દ્વારા બદલી અને રાજીનામું અપાવી દેવાની ધમકી મળતાં રેલ કર્મીને એટેક આવ્યો હતો. જેને આઇસીયુમાં દાખલ કરવો પડ્યો હતો, તેવા આરોપ સાથે રેલ કર્મીએ ડીઆરએમ અને વેસ્ટર્ન રેલવેના જીએમને લેખિત રજૂઆત કરાતાં ખળભળાટ મચી ગયો છે.
રેલ કર્મી રામબક્ષેે આરોપ મૂકી કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, ‘26 ડિસેમ્બર,2023ના રોજ રાતના 10 વાગે મને સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટ બી.કે.ઝાએ ફોન કરી મારી બદલી, દંડ કરાવવા અને રાજીનામું અપાવી દેવાની ધમકી આપી હતી. જેને કારણે માનસિક તણાવથી મને એટેક આવતાં ગંભીર હાલતમાં આઈસીયુમાં ભરતી કરવામાં આવ્યો હતો. જેના પગલે મારું જીવન સંકટમાં આવી ગયું છે.
જ્યારથી પોઇન્ટ્સ મેન અભિષેકની બોગસ ડ્યૂટી પકડી છે ત્યારથી મને એટલીવાર ચાર્જશીટ બી.કે. ઝા અપાવી ચૂક્યા છે કે, જેને કારણે મારે વારંવાર ડીએમઓ પાસે જવું પડે છે, જેનાથી ખૂબ પરેશાન થઇ ચૂક્યો છું. જો હવે મને કશું થાય કે એટેક આવે તો તેની જવાબદારી માત્ર બી.કે. ઝા અને તૌસીફની હશે. હું શાંતિપૂર્વક નોકરી કરવા ઇચ્છું છું. આ પ્રકારના ગંભીર આરોપો રામબક્ષે પત્રમાં લગાવ્યા છે.
બી.કે. ઝા સામે અગાઉ પણ આરોપો લગાવાયા છે
બી.કે. ઝા સામે અગાઉ અનરિઝર્વ કાઉન્ટર પર બે હજારની નોટો બદલાવાનો, વીઆઈપી ટ્રેનને નિયત સમય કરતાં વધુ રોકી રાખવાનો પણ આરોપ મુકાયો હતો. ત્યારબાદ તેમની સામે હવે રામબક્ષે આરોપ મૂક્યા છે.