શહેરમાં વધુ એક છેતરપિંડીનો બનાવની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. સાધુ વાસવાણી રોડ, વસંતવિહાર પામસિટી એપાર્ટમેન્ટમાં રહેતા પ્લાયવૂડ-સનમાઇકાની દુકાન ધરાવતા બ્રિજેશભાઇ અમૃતલાલ અદોદરિયા નામના વેપારી સાથે પાડોશમાં રહેતા મુનેશ મગન હિરપરા, તેની માતા મંજુલાબેન અને નાના ભાઇની પત્ની જાનકી મયૂર હિરપરાએ રૂ.1.09ની છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાઇ છે.
વેપારીની ફરિયાદ મુજબ, પાડોશમાં રહેતો મુનેશ હિરપરા જમીન લે-વેચ તેમજ એક્સપોર્ટ-ઇમ્પોર્ટનું કામ કાજ કરતો હોય પોતાને બંને ધંધામાં મૂડીરોકાણ કરવાની વાત કરી હતી. અને જો મૂડીરોકાણ કરવા મને ઉછીના રૂપિયા આપશો તો હું ધંધામાં રોકાણ કરી તમને સમયસર તમારી મૂડી પરત કરી આપવાની વાત કરી હતી. પાડોશી મુનેશની વાતમાં વિશ્વાસ આવી જતા 2019માં પહેલી વખત પિતાના ખાતામાંથી રૂ.3 લાખ આપ્યા હતા. ત્યાર બાદ પોતાના તેમજ નાના ભાઇના ખાતામાંથી કુલ રૂ.4 લાખ મુનેશના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. મુનેશની માગણી મુજબ તેઓ પૈસા આપતા રહેતા હોવાથી તેને વધુ રૂ.36.50 લાખ આપ્યા હતા. આ રકમમાંથી મુનેશ વધુ રૂપિયાની જરૂરત ન હોવાનું જણાવી રૂ.3.40 લાખની રકમ પરત પિતાના ખાતામાં ટ્રાન્સફર કરી આપી હતી.