સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું 189.61 કરોડનું બજેટ સિન્ડિકેટની બેઠકમાં સર્વાનુમતે મંજૂર કરી દેવામાં આવ્યું છે. સામાન્ય રીતે કોર્પોરેશન, જિલ્લા પંચાયત, પીજીવીસીએલ, શિક્ષણ વિભાગ, રેલવે સહિતના મોટાભાગના સરકારી વિભાગ પોતાના નવા હિસાબી વર્ષનું અંદાજિત બજેટ જનતા માટે પણ જાહેર કરતું હોય છે પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હવે જાણે મોટાભાગના વહીવટ ખાનગી રીતે એન્ટી ચેમ્બરમાં કરવામાં આવી રહ્યા હોય એમ યુનિવર્સિટીનું વર્ષ 2023-24ના વર્ષનું બજેટ પણ ખાનગી રીતે સિન્ડિકેટની મિટિંગમાં રજૂ કરી દઈને મંજૂર પણ કરી દેવાયું હતું.
આ ઉપરાંત સંભવત: આગામી તારીખ 26મીએ મળનારી સેનેટની મિટિંગમાં પણ આ બજેટ રજૂ કરવામાં આવશે. જો કે યુનિવર્સિટીના 189.61 કરોડના બજેટમાં વિદ્યાર્થીલક્ષી પ્રવૃત્તિ માટે માત્ર રૂ. 6.43 કરોડની જ જોગવાઈ કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બજેટમાં જે વિદ્યાર્થીઓ માટે જોગવાઈ કરવામાં આવી છે તેમાં સૌથી વધુ 97 લાખ લાઇબ્રેરી માટે ફાળવાયા છે. ત્યારબાદ સ્ટુડન્ટ ડેવલોપમેન્ટ, સ્કિલ ડેવલોપમેન્ટ અને અન્ય પ્રવૃત્તિ માટે 66 લાખ, એજ્યુકેશન ડેવલોપમેન્ટ એક્ટિવિટી માટે 50 લાખ, ઓડિટોરિયમ માટે 49 લાખ, એસએઆઈપી માટે 40 લાખ, રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ એક્ટિવિટી ફોર ટીચર્સ માટે 30 લાખની જોગવાઈ કરવામાં આવી છે.