રાજકોટની વધુ એક પરિણીતાએ સાસરિયાઓ સામે ઘરેલુ હિંસા હેઠળ પોલીસ ફરિયાદ નોંધાવી છે. એરપોર્ટ રોડ, રેસકોર્સ પાર્કમાં છ મહિનાની દીકરી સાથે છેલ્લા સાત મહિનાથી પિયરમાં રહેતી ભક્તિ નામની પરિણીતાએ થાનગઢ રહેતા પતિ કેયૂર, ચોટીલા રહેતા સસરા ઉદયભાઇ ચંદ્રકાંત રાવલ, સાસુ નિપાબેન, નણંદ રીમાબેન સામે ફરિયાદ નોંધાવી છે. બી.કોમ.સુધીનો અભ્યાસ કરનાર પરિણીતાની ફરિયાદ મુજબ, કેયૂર સાથે પ્રેમસંબંધ હોય તા.19-1-2022ના રોજ સુરેન્દ્રનગર આર્યસમાજમાં લગ્ન કર્યા હતા.
જોકે આ લગ્નની સાસુ-સસરાને જાણ કરી ન હોય એક વર્ષ સુધી પોતે માતા-પિતાના ઘરે રહી હતી. પોતે સગર્ભા થતા પતિ સહિતનાઓએ કોઇ દરકાર લીધી ન હતી. સાસરિયાઓ કોઇ ખર્ચ કરવા માગતા ન હોય પોતે ડિલિવરી કરવા પિયર આવી હતી. ત્યાર બાદ ડિલિવરીના ખર્ચ મુદ્દે વારંવાર માથાકૂટ થતી હતી. બાદમાં દીકરીનો જન્મ થતા સાસુ-નણંદ દીકરીને રમાડવાના બહાને લઇ જવા માગતા હોય પોલીસને બોલાવવી પડી હતી. અંતે વારંવારના ઝઘડા તેમજ સાસરિયાઓના ત્રાસથી કંટાળી પોલીસમાં અરજી કરી હતી. તપાસ બાદ પોલીસે ગુનો નોંધ્યો હતો.