વૈશ્વિક સ્તરે છેલ્લા એક વર્ષથી સતત વધી રહેલી મોંધવારી, વ્યાજદર વધારો અને આર્થિક સંક્રમણની સીધી અસર ભારતમાં આવી રહેલા વિદેશી રોકાણ પર જોવા મળી છે. છેલ્લા એક વર્ષમાં વિદેશી રોકાણમાં ઘટાડો નોંધાયો છે.
વિદેશી રોકાણના મામલે ભારતને મોટો ઘક્કો લાગ્યો છે. મોદી શાસનમાં પહેલીવખત ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટમાં જંગી ઘટાડો થયો છે. વિદેશી રોકાણ 16.3 ટકા સુધીનો ઘટાડો થયો છે. રિઝર્વ બેંક દ્વારા રજૂ કરવામાં આવેલા રિપોર્ટમાં નિર્દેશ કરવામાં આવ્યો છે. રિઝર્વ બેંકના સ્ટેટ ઓફ ધ ઇકોનોમી શીર્ષક હેઠળ એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે 31 માર્ચ 2023 ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ દરમિયાન ગ્રોસ ઇનવર્ડ એફડીઆઇમાં 16 ટકાથી વધુનો ઘટાડો થયો છે. નાણાકીય વર્ષ 2021-22માં FDIનો આ આંકડો 84.8 અબજ ડોલર હતો. નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન તે 16.3 ટકા ઘટીને 71 અબજ ડોલર થઈ ગયો છે જે એક દાયકામાં આ પ્રથમ ઘટાડો છે.
વૈશ્વિક સ્તરે ઉભરતા અર્થતંત્રમાં ભારત ટોચનું સ્થાન ધરાવે છે. આ ઉપરાંત વિશ્વના અન્ય વિકસીત દેશોની તુલનાએ ભારતમાં વિદેશી રોકાણકારો માટેની સાનુકૂળ નીતિ, રોકાણકારોને સારા રિટર્નનો આશાવાદ આગામી સમયમાં રોકાણ પ્રત્યે પ્રેરણારૂપ બનશે તેવું અનુમાન છે. મોંઘવારીનો મુદ્દો હળવો બનવા લાગ્યો છે તેમજ રોકાણના અન્ય સેગમેન્ટમાં ભારતમાં રોકાણ કરવું વિદેશીઓની પહેલી પ્રાથમિકતા જણાઇ રહી છે જેના કારણે આગામી વર્ષે ફરી પોઝિટીવ ટ્રેન્ડ જોવા મળે તો નવાઇ નહિં.