મવડીની નંદનવન સોસાયટીમાં વૃદ્ધ દંપતીએ સજોડે એસિડ ગટગટાવી લીધું હતું. પ્રૌઢનું મોત નીપજ્યું હતું જ્યારે વૃદ્ધાની હાલત ગંભીર ગણાવાઇ રહી છે. આર્થિક ખેંચથી કંટાળી પગલું ભર્યાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું. મવડીના બાપા સીતારામ ચોક પાસેની નંદનવન સોસાયટીમાં રહેતા નરશીભાઇ ચનાભાઇ વડાલિયા (ઉ.વ.72) અને તેના પત્ની લીલાબેન વડાલિયા (ઉ.વ.68)એ પોતાના ઘરે એસિડ પી લેતાં બંનેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ નરશીભાઇનું મૃત્યુ થયુ હતું જ્યારે તેમના પત્ની લીલાબેન સારવાર હેઠળ છે અને તેમની હાલત ગંભીર હોવાનું તબીબોએ કહ્યું હતું.
ઘટનાની જાણ થતાં તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઇ અલ્પાબેન સાંગાણી અને પ્રવીણભાઇ જીલરિયા સહિતની ટીમ દોડી ગઇ હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, નરશીભાઇ વડાલિયા ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં વચેટ હતા અને તેમને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. મંગળવારે પુત્ર સંજયભાઇ કારખાને કામ પર ગયા હતા અને પુત્રવધૂ શિલ્પાબેન કાકાજીના ઘરે લગ્નપ્રસંગે ગયા હતા ત્યારે નરશીભાઇ અને તેમના પત્ની લીલાબેન ઘરે એકલા હતા. બંનેએ એસિડ પી લીધું હતું. એસિડ પીધા બાદ બંને ઊલટી કરવા લાગતાં પાડોશીઓને જાણ થતાં બંનેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. નરશીભાઇનું ટૂંકી સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. આર્થિક ખેંચથી કંટાળી વૃદ્ધ દંપતીએ પગલું ભર્યાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું. ઘટનાથી વડાલિયા પરિવારમાં ગમગીની છવાઇ હતી.