મહિધરપુરા મોતી ટોકીઝ પાણીની ટાંકી ચાર રસ્તા પાસે શુક્રવારે રાતે 9.50 કલાકના અરસામાં પતંગની ખરીદી કરવા ગયેલા કેબલના ધંધાર્થી અને ફાઇનાન્સરની દોઢ લાખની રૂપિયાની લેતીદેતીમાં બેગમપુરાના શખ્સે છરાથી બગલની નીચેના ભાગે ઘા ઝીંકી એક ઝાટકે મોતને ઘાટ ઉતારી દીધો છે. હત્યારાએ મહિને દસ ટકા વ્યાજે રૂપિયા લીધા હતા. હત્યારો ફાઇનાન્સરને વ્યાજ આપતો હતો પરંતુ મુદ્દલ જમા કરાવતો ન હોવાથી ઝઘડા થતા હતા.ઘવાયેલા પિયુષ રાણાને ખાનગી હોસ્પિટલમાં ખસેડાતા મૃત જાહેર કરાયો હતો.
પોલીસે વિક્કીને દબોચી લીધો છે. પોલીસે જણાવ્યું કે મૃતકનું નામ પિયુષ ધનસુખ રાણા (25)(રહે, ઈન્દપુરા, ગોલવાડ) છે. હત્યારાનું નામ વિવેક ઉર્ફે વિક્કી હેમંત ચેવલી (33) (રહે. ચેવલીશેરી, બેગમપુરા) છે અને તે મોતી ટોકિઝ નજીક રહે છે. હત્યારો વિક્કી કેટરીંગનું કામ કરે છે સાથે ટેમ્પો પણ ચલાવે છે.
પિયુષ રાણાએ દોઢ લાખ દસ ટકા વ્યાજે આપ્યા હતા અને હત્યારા વિક્કી વચ્ચે આ મુદલની લેતીદેતી બાબતે બબાલ ચાલતી હતી.પતંગ ખરીદી કરવા ગયેલા લોકોમાં ભયનો માહોલમોતી ટોકીઝ પાસે રાત્રિના ધમધમતા પતંગ બજારમાં પતંગ અને દોરીની ખરીદી કરવા ગયેલા લોકોમાં ફાઇનાન્સરની હત્યાને પગલે ભયનો માહોલ ફેલાયો હતો. ઘટનાને પગલે મહિધરપુરા પીઆઈ ચૌધરી સ્ટાફ સાથે ત્યાં દોડી આવ્યા હતા અને આસપાસની દુકાનો બંધ કરાવાઈ હતી.