ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં આજે લીગ તબક્કાની 47મી મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ ગઈ હતી. જેમાં કોલકાતા નાઈટ રાઈડર્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 5 રને હરાવ્યું હતું. SRHને છેલ્લી ઓવરમાં 9 રનની જરૂર હતી, આ ઓવરમાં વરુણ ચક્રવર્તીએ માત્ર 3 રન આપ્યા અને પોતાની ટીમને જીત અપાવી હતી. હૈદરાબાદ તરફથી છેલ્લી ઓવરમાં અબ્દુલ સમાદ અને ભુવનેશ્વર કુમાર બેટિંગ કરી રહ્યા હતા. વરુણે પ્રથમ બે બોલમાં બે રન આપ્યા પછી ત્રીજા બોલ પર સમાદને આઉટ કર્યો હતો. ચક્રવર્તીએ છેલ્લા 3 બોલમાં માત્ર એક રન આપ્યો હતો.
હૈદરાબાદને મળેલા 172 રનના ટાર્ગેટની સામે તેઓ 20 ઓવરમાં 8 વિકેટે 166 રન જ બનાવી શક્યા હતા. ટીમ તરફથી સૌથી વધુ એડન માર્કરમે 40 બોલમાં 41 રન બનાવ્યા હતા. જ્યારે હેનરિક ક્લાસેને 20 બોલમાં 36 રન કર્યા હતા. કોલકાતા તરફથી સૌથી વધુ શાર્દૂલ ઠાકુર અને વૈભવ અરોરાને 2-2 વિકેટ મળી હતી. તો વરુણ ચક્રવર્તી, હર્ષિત રાણા, અનુકુલ રોય અને આન્દ્રે રસેલે 1-1 વિકેટ લીધી હતી.
ક્લાસેન-માર્કરમ વચ્ચે 70 રનની પાર્ટનરશિપ
54 રનમાં 4 વિકેટ ગુમાવ્યા પછી હૈદરાબાદ માટે હેનરિક ક્લાસેન અને એડન માર્કરમે ઇનિંગને સંભાળી હતી. બન્નેએ સાથે મળીને 47 બોલમાં 70 રનની ભાગીદારી કરી હતી. ક્લાસેન 36 રન બનાવીને આઉટ થતાં આ પાર્ટનરશિપ તૂટી હતી.