આગામી લોકસભા ચૂંટણીને લઈ ચૂંટણીપંચે તૈયારીઓ આરંભી દીધી છે. સૌરાષ્ટ્ર- કચ્છના 12 જિલ્લાના 54 અધિકારીને ચૂંટણીપંચ દ્વારા માસ્ટર ટ્રેનિંગ આપવામાં આવશે. રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણી માટે 19,000 કર્મચારીની યાદી તૈયાર કરી દેવામાં આવી છે. જે પૈકીના 12,000 જેટલા કર્મચારીઓને ચૂંટણી ફરજ પર લેવામાં આવનાર છે. લોકસભાની ચૂંટણી પહેલા 2 રેન્ડમાઈઝેશન થશે. જેમાં પ્રથમ રેન્ડમાઈઝેશનમાં 120 ટકા સ્ટાફ, જ્યારે બીજા રેન્ડમાઈઝેશનમાં 110 ટકા સ્ટાફને રખાશે. જેમાં 10 ટકા સ્ટાફને રિઝર્વ રાખવામાં આવશે.
54 અધિકારીને માસ્ટર્સ તાલીમ અપાશે
લોકસભાની ચૂંટણી માટે રાજકોટ ખાતે આગામી તા.29 જાન્યુઆરીથી તા.2 ફેબ્રુઆરી એમ પાંચ દિવસ સૌરાષ્ટ્ર- કચ્છના રાજકોટ, ઉપરાંત મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, કચ્છ અને સુરેન્દ્રનગર એમ 12 જિલ્લાના આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસરોનો તાલીમ વર્ગ યોજાશે. જેમાં 54 અધિકારીને માસ્ટર્સ તાલીમ અપાશે. અધિકારીઓના આ તાલીમ વર્ગનું સ્થળ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નિયત કરવામાં આવ્યું છે. ચૂંટણીપંચના તજજ્ઞો દ્વારા અધિકારીઓને લોકસભાની ચૂંટણી સંદર્ભે આ તાલીમ પૂરી પડાશે. રાજ્યમાં રાજકોટ ઉપરાંત ગાંધીનગર, વડોદરા, અને સુરત એમ 4 ઝોનમાં આ તાલીમ વર્ગ આયોજીત કરવામાં આવ્યું છે.