રાજ્યભરમાં ચાંદીપુરા વાઇરસથી બાળકોના મોતનો આંકડો 27 થયો છે. જોકે હજુ પણ આ મોત વાઇરસથી થયા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવે છે. ગુરુવારે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વધુ 7 મોત થયાં હતાં. જેમાં રાજકોટ જિલ્લામાં 5 બાળકોનાં મોત ચાંદીપુરા વાઇરસથી થયાંની આશંકા વ્યક્ત કરાઈ છે. રાજ્યભરમાં આ વાઇરસથી અત્યાર સુધી નોંધાયેલા કુલ કેસની સંખ્યા 40ને પાર થઈ છે. હવે જામનગર અને ભાવનગરમાં પણ આ વાઇરસના શંકાસ્પદ કેસ નોંધાયા છે. સેન્ડ ફ્લાય નામે ઓળખાતી માખીથી ફેલાતા આ રોચચાળાને ડામવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ડસ્ટિંગ ડ્રાઇવ હાથ ધરવા અધિકારીઓને સૂચના આપી છે. બીમારીનો ભોગ બાળકો બની રહ્યા હોવાથી વાલીઓમાં ચિંતા પ્રસરી છે.
ગુરુવારે પંચમહાલના ઘોઘંબા નજીકના લાલપરી ગામની બાળકીનું વડોદરાની ખાનગી હૉસ્પિટલમાં મોત નિપજ્યું હતું. બીજી તરફ હિંમતનગર અને અરવલ્લીમાં 1-1 તથા સાબરકાંઠામાં ચાંદીપુરાના વધુ 3 શંકાસ્પદ કેસ નોંધાયા હતા. જેમાં એક બાળક માત્ર 6 મહિનાનું તથા અન્ય બાળક 11 મહિનાનું છે. ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના ફુલજીના મુવાડામાં પણ શંકાસ્પદ કેસમાં એક બાળકને સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરાયું હતું. જ્યારે જામનગરમાં બે શંકાસ્પદ કે તો ભાવનગરમાં એક કેસ નોંધાયો છે. પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરાના કેસમાં વધારો થતા તંત્ર દ્વારા 70 સેન્ડ ફ્લાય માખીઓના સેમ્પલ પૂના મોકલવાનો નિર્ણય કરાયો હતો સાથે જ જિલ્લાની તમામ આંગણવાડીઓ અને શાળાઓમાં સર્વેલન્સ કામગીરી હાથ શરૂ કરવામાં આવી છે.