સ્વિટઝર્લેન્ડના દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ સંમેલનની શરૂઆત થઇ ચુકી છે. આમાં ભૂ-રાજનીતિ, એઆઇ (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ)ના ભવિષ્ય અને જળવાયુ પરિવર્તન પર ખાસ ચર્ચા જારી છે. સંમેલનમાં ભારત, અમેરિકા, ચીન સહિત 60 દેશના રાષ્ટ્ર અધ્યક્ષ, સરકારના પ્રમુખોની સાથે આશરે 3000 પ્રતિનિધિઓ ભાગ લઇ રહ્યા છે.
દરમિયાન પ્રાઇસ વોટર હાઉસ કુપર્સ તરફથી 105 દેશોની 4702 કંપનીઓના લીડર્સ પર સરવેના પરિણામ પણ સામે આવ્યા છે. જેમાં 45 ટકા લીડર્સે કહ્યું છે કે જો તેઓ સમય મુજબ પોતાને તૈયાર નહીં કરે તો તેમનો કારોબાર 10 વર્ષમાં બંધ થઇ જશે.
આ ચિંતા 2023માં 39 ટકાથી વધુ છે. અલબત્ત 38 ટકા સીઇઓ આગામી એક વર્ષમાં વૈશ્વિક આર્થિક વિકાસની સંભાવનાને લઇને આશાવાદી છે. જે 2023ના 18 ટકા કરતા વધારે છે. આર્થિક મંદીની આશંકા 2023ની 73 ટકાની સરખામણીમાં 45 ટકા પર રહેવાની શક્યતા છે.