ભારતમાં ક્રિકેટ એક ધર્મ તરીકે ગણાય છે અને આ ધર્મના ભગવાન સચિન તેંડુલકરને માનવામાં આવે છે. ભારતીય ક્રિકેટમાં એક એવો પણ સમય હતો, જ્યારે સચિન આઉટ થઈ જાય તો લોકો TV બંધ કરી દેતા હતા. લોકો બસ તેંડુલકરને જોવા માટે જ ટીવી જોતા હતા, પણ એક ક્રિકેટર એવો આવ્યો, જેણે જોવા માટે સચિન આઉટ થયો હોય તોપણ લોકોને ટીવી સામે બેસી રહેવા મજબૂર કરી દીધા હતા. લોકોને આશા રહેતી કે તેંડુલકર આઉટ થયો તો કોઈ નહીં, વર્લ્ડનો બેસ્ટ ફિનિશર તો ટીમને નૈયા પાર કરાવી જ દેશે. એ ક્રિકેટર એટલે મહેન્દ્ર સિંહ ધોની.
મહેન્દ્ર સિંહ ધોની, એક એવું નામ, જેને જોવા માટે, તેની એક ઝલક પામવા માટે સ્ટેડિયમ, હોટલ, ઘર, નાનાં બાળકો હોય કે વૃદ્ધો, પુરુષ હોય કે સ્ત્રી, કોઈપણ હોય, તેઓ ધોનીને જોવા માટે તલપાપડ હોય છે. વિશ્વના સૌથી સન્માનિત કેપ્ટનમાંના એક મહેન્દ્ર સિંહ ધોનીએ તેના બેટ, તેની આગેવાની અને સ્ટમ્પ પાછળની તેની શૈલીથી દેશને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઘણી જીત અપાવવામાં મદદ કરી છે. ભારતીય ચાહકો મેદાનમાં તેની પ્રભાવશાળી હાજરી ઝંખે છે. ધોની, માહી, કેપ્ટન કૂલ અને થાલા તરીકે ઓળખાય છે. તેના ફેન્સ તેને ભગવાનની જેમ પૂજે છે. આ ક્રેઝ તો આપણે આ વખતની IPL સીઝનમાં જોઈ જ લીધો છે. કોઈપણ સ્ટેડિયમ હોય, અમદાવાદથી લઈને મુંબઈ, દિલ્હીથી લઈને ચેન્નઈ સુધી પીળી જર્સી જ જોવા મળી હતી